વિશ્વની સૌથી નાની વયની મહિલા CA બની ભારતની દિકરી, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
- ભારતની દિકરી બની વિશ્વની સૌથી નાની વયની મહિલા CA
- ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
ભારતની દિકરી વિશ્વની સૌથી નાની વયની મહિલા CA બની છે. મધ્યપ્રદેશના મુરૈનાની દિકરી નંદિની અગ્રવાલે ભારતનું નામ રોશન કર્યું છે. તેને ગિનીસ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી યુવા મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સ્વીકારવામાં આવી છે. અને જ્યારે તે સીએ ફાઇનલમાં હતી ત્યારે તે દેશમાં ટોપ પર હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર,મધ્યપ્રદેશના જિલ્લા મુરૈનાની દિકરી નંદિની અગ્રવાલે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વર્ષ 2021માં થયેલી CAની પરીક્ષામાં નંદિનીએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેણે વિશ્વની સૌથી નાની ઉંમરની મહિલા CA તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. તે 19 વર્ષ અને 330 દિવસની ઉંમરે CA બની ગઈ હતી. નંદિની હાલ મુંબઈમાં સિંગાપોર સરકારની કંપનીમાં નોકરી કરે છે.
નંદિની બાળપણથી ખુબ જ તેજસ્વી
નંદિની બાળપણથી ખુબ જ તેજસ્વી હતી. જે ઉંમરમાં બાળકોને UKG અને LKGમાં હાથ પકડીને લખતા શીખડાવવામાં આવે છે તે ઉંમરમાં નંદિની હિન્દી અને અંગ્રેજી વાંચવા અને લખવા પણ લાગી હતી. આ જોઇને સ્કૂલ મેનેજમેન્ટે તેને LKGથી બીજા ધોરણમાં પ્રમોટ કરી હતી અને તે પોતાના મોટા ભાઈ સચિન સાથે ભણવા લાગી હતી. બંને ભાઈ-બહેને CA સુધી સાથે અભ્યાસ કર્યો હતો.
સીએની પરીક્ષા માટે પોતાનું મન અને હૃદય નક્કી કર્યું
નંદિની એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે,જ્યારે તે 11મા ધોરણમાં હતી ત્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક તેની શાળાની મુલાકાતે આવ્યો હતો. “ત્યારથી, મેં એક એવો રેકોર્ડ હાંસલ કરવાનું સપનું જોયું જેને તોડવું મુશ્કેલ હશે,” નંદિનીએ કહ્યું. સીએની પરીક્ષા માટે પોતાનું મન અને હૃદય નક્કી કર્યું. ‘ફર્મ્સ મને 16 વર્ષની ઉંમરે લેવા તૈયાર ન હતી’નંદિની અગ્રવાલ એટલી નાની હતી કે તેને એપ્રેન્ટિસશીપ મેળવવામાં મુશ્કેલી પડી. “નાની કંપનીઓ પણ મને 16 વર્ષની ઉંમરે લેવા તૈયાર ન હતી,” તેણીએ કહ્યું. “જોકે, આવી અડચણોએ મને તેમાંથી પસાર થવા માટે વધુ કટિબદ્ધ બનાવ્યો,”
વિશ્વમાં 7મી રેન્ક પ્રાપ્ત કરી હતી
વર્ષ 2021માં યોજાયેલી CA ફાઈનલની પરીક્ષામાં નંદિનીને 800માંથી 614 માર્ક્સ મળ્યા હતા અને તેણે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નંદિનીએ CA બન્યા બાદ બે આંતરરાષ્ટ્રીય પરીક્ષા આપી હતી. જેમાં તે પહેલા ACCAની આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં દેશમાં પ્રથમ અને વિશ્વમાં 7મા નંબરે આવી હતી. આ પરીક્ષામાં 180 દેશોના CA સામેલ થયા હતા. ત્રણ મહિના પહેલા નંદિનીએ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીમાંથી યંગેસ્ટ CA વિથ ઓલ ઇન્ડિયા રેન્ક વન વિષયમાં Phd કરી હતી.
આ પણ વાંચો : રોનાલ્ડોએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું, જાણો કારણ