સંરક્ષણ ક્ષેત્રે ભારત હવે વધુ મજબૂત : છેલ્લા 5 વર્ષમાં શસ્ત્ર નિકાસમાં 334 ટકાનો વધારો
દુનિયામાં સંરક્ષણ શસ્ત્રોને લઈને ભારત દુનિયામાં સૌથી મોટો ખરીદાર દેશ ગણાય છે પરંતુ છેલ્લા એક દાયકાથી પણ ઓછા સમયમાં શસ્ત્રોનું ઉત્પાદન અને નિકાસ વધારીને ભારત આત્મનિર્ભર બની રહયું છે. ભારતના રક્ષા ઉત્પાદનોનું માર્કેટ વધીને 130 અબજ રુપિયા થયું છે. 2025 સુધીમાં ભારત 1.75 ખર્વ રુપિયાનું ઉત્પાદન અને રુપિયા 350 અબજ રુપિયાની નિકાસ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
છેલ્લા 5 વર્ષમાં શસ્ત્ર નિકાસમાં 334 ટકાનો વધારો
કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશની સંરક્ષણ નિકાસમાં 334 ટકાનો વધારો થયો છે અને સહભાગી પ્રયાસોને કારણે ભારત હવે 75 થી વધુ દેશોમાં નિકાસ કરી રહ્યું છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તે જણાવે છે કે બીજા સૌથી મોટા સશસ્ત્ર દળ સાથેનું ભારતીય સંરક્ષણ ક્ષેત્ર ક્રાંતિની આરે છે. ભારતનો છેલ્લા 5 વર્ષમાં સંરક્ષણ નિકાસમાં 334 ટકા જેટલો વધારો થયો છે. કુલ 75 જેટલા દેશોમાં ગોળા બારુદ અને શસ્ત્ર ઉપકરણો વેચાયા છે. ભારત મિસાઇલ ટેકનોલોજી અને સંશોધનો પછી તેના ઉત્પાદનમાં પણ પ્રગતિ કરી રહયો છે. વિયેટનામ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ સહિતના દેશો ભારતની બ્રહ્નોસ મિસાઇલ ખરીદવા માટે ઉત્સૂક જણાય છે. સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત તેજસ એરક્રાફટ ખરીદવામાં અમેરિકાને પણ રસ પડયો છે. ભારતીય વાયુસેનામાં 83 તેજસ વિમાનની ડિલ પણ મોટી ઉપલબ્ધિ છે.
સ્વદેશી તેજસ વિમાન માટે થયા કરાર
3 ફેબ્રુઆરી 2021ના રોજ ભારતીય વાયુસેના અને હિંદુસ્તાન એરોનોટિકસ લિમિટેડ વચ્ચે 83 સ્વદેશી તેજસ વિમાન માટે કરાર થયો હતો. આ ડીલ અંર્તગત ભારતીય વાયુસેનાએ 48000 કરોડ રુપિયામાં 83 ફાઇટર વિમાનોનો સમાવેશ થાય છે. તેજસ હવાથી હવામાં જમીન પર મિસાઇલ છોડી શકે છે. તેમજ એન્ટીશિપ મિસાઇલ, બોમ્બ અને રોકેટ પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. તેજસની સ્પીડ 2222 કિમી પ્રતિ કલાકની છે. 13500 કિલોગ્રામ જેટલું વજન વહન કરી શકે છે. તેજસ 54 હજાર ફૂટની ઉંચાઇ સુધી ઉડી શકે છે. તેજસ 42 ટકા ફાઇબર, 43 ટકા એલ્યુમિનિયમ એલોય અટાઇટેનિયમથી તૈયાર કરવામાં આવ્યું છે.
ફિલિપાઈન્સ સાથે બ્રહ્મોસ સુપરસોનિકની ડીલ
એક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2021-22માં સંરક્ષણ સેવાઓના બજેટના 99.50 ટકા ભાગનો ઉપયોગ થઇ શકયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે ફિલિપાઈન્સ સાથે $375 મિલિયન (લગભગ 2770 કરોડ રૂપિયા)ની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિકમિસાઈલ સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ 2021-22માં ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં 13 હજાર કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કર્યો. નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં આ 54.1 ટકાનો વધારો છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત AAP દ્વારા પોતાના ઉમેદવારની સાતમી યાદી જાહેર કરી