ભારતની સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, બ્રહ્મોસ સહિત એરક્રાફ્ટની વિદેશમાં વધી માંગ
નવી દિલ્હી, 23 ડિસેમ્બર: 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી, ભારત માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં વૈશ્વિક સંરક્ષણ નિકાસમાં પણ અગ્રેસર બની રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. આ ઉપરાંત, સરંક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાને વિસ્તાર કરતો ભારતની સંરક્ષણ નિકાસ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે. નાણાકીય વર્ષ 2022-23માં સંરક્ષણ નિકાસનો આંકડો અંદાજે રૂ. 16,000 કરોડને સ્પર્શી ગયો છે.
સંરક્ષણ નિકાસ વધતાં 85 દેશો સુધી ભારતીય સશસ્ત્રો પહોંચ્યા
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો થયો છે. સંરક્ષણ ઉપકરણોની ભારતીય ડિઝાઇન અને વિકાસ ક્ષમતાઓ હવે 85થી વધુ દેશો સુધી પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સૌથી વધુ માંગ ધરાવતા હથિયારોની યાદી જાહેર કરી. તેમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને આકાશ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ સામેલ છે. આ સિવાય તેજસ એરક્રાફ્ટ, પિનાકા રોકેટ લોન્ચર અને 155 એમએમ એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સામેલ છે.
MoDના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિકાસ કરવાના મુખ્ય હથિયારોમાં ડોર્નિયર-228, 155 mm એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન, બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ, રડાર, સિમ્યુલેટર, માઈન પ્રોટેક્ટેડ વ્હીકલ, આર્મર્ડ વાહનો, પિનાકા રોકેટ અને લોન્ચર્સ, દારૂગોળો, થર્મલ ઈમેજર્સ સામેલ થાય છે. ઉપરાંત, લાઇન રિપ્લેસેબલ યુનિટ્સ અને એવિઓનિક્સ અને નાના હથિયારોના ભાગોનો પણ નિકાસ કરવામાં આવનાર લશ્કરી સામગ્રીની સૂચિમાં સમાવેશ થાય છે.
એરક્રાફ્ટ તેજસની માંગમાં વધારો થયો
મંત્રાલયે કહ્યું છે કે ભારતીય બનાવટના લાઈટ જેટ ફાઈટર એરક્રાફ્ટ તેજસની માંગ ઝડપથી વધી રહી છે. તે એક બહુ-ભૂમિકા લડાયક વિમાન છે, જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તે એક સીટ અને એક જેટ એન્જીન ધરાવતું હલકું કોમ્બેટ એરક્રાફ્ટ છે. તેજસ ઉપરાંત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ કેરિયરની પણ વિદેશમાં ખૂબ માંગ છે. લેટિન અમેરિકન દેશ, આફ્રિકન દેશ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ભારતીય હથિયારોની માંગ સૌથી વધુ છે.
આ પણ વાંચો: શું હવે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છુટ મળશે? કૃષિમંત્રી રાઘવજીએ કહ્યું સરકાર વિચારણા કરશે