20 મે, કોબે (જાપાન): ભારતની પેરા એથ્લેટ દીપ્તિ જીવનજીએ પેરા એથલેટીક્સનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. જાપાનના કોબેમાં આયોજિત પેરા એથલેટીક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2024માં દીપ્તિ જીવનજીએ 400 મીટર T20 કેટેગરીની રેસ 55.06 સેકન્ડમાં પૂરી કરીને પેરા એથલેટીક્સનો નવો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે.
આ જીતથી દીપ્તિએ આ કેટેગરીનો ગોલ્ડ પણ જીતી લીધો છે. ક્વોલીફાયિંગ રાઉન્ડમાં દીપ્તિ જીવનજીએ 56.18 નો સમય લઈને નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ અગાઉ 2023ની પેરાલિમ્પિકમાં પણ દીપ્તિએ અદ્બભુત પ્રદર્શન કરી બતાવ્યું હતું અને મહિલાઓની 400 મીટર T20 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
દીપ્તિ બાદ બીજા નંબરે થાઈલેન્ડની ઓરાવન કેઈસિંગ રહી હતી જેણે પોતાનો વ્યક્તિગત રેકોર્ડ 59.00 મિનીટ્સ તોડી નાખ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. જાપાનની નીના કાન્નોએ 59.73 સેકન્ડ્સનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
દીપ્તિએ અમેરિકાની બ્રેન્ના ક્લાર્કના અગાઉના 55.12 સેકન્ડ્સનો રેકોર્ડ તોડ્યો હતો. કલાર્કે આ રેકોર્ડ પેરીસમાં રમાયેલી ઇવેન્ટમાં બનાવ્યો હતો. એ ટુર્નામેન્ટમાં તુર્કીની આયસલ ઓંડર બીજા સ્થાને અને ઇક્વેડોરની લીઝાનશેલા ત્રીજા સ્થાને રહી હતી.
અત્રે એ નોંધનીય છે કે પેરા એથલેટીક્સમાં T20 કેટેગરીનો મતલબ એવા એથ્લીટ જે માનસિક રીતે દિવ્યાંગ હોય. F56 કેટેગરીનો મતલબ એવો થતો હોય છે કે તેમાં એવા એથ્લીટ સામેલ થઇ શકે જેમને અલગ અલગ પ્રકારની શારીરિક અપંગતા હોય.
આજ સ્પર્ધાની અન્ય ઇવેન્ટમાં ભારતના પેરા એથ્લીટ યોગેશ કથુનીયાએ પુરુષોના ડિસ્કસ થ્રોમાં F56ની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. યોગેશે 41.80 મીટરનો થ્રો કર્યો હતો. ભારતે ત્રીજા દિવસના અંતે પોતાના મેડલની સંખ્યામાં 2 મેડલનો વધારો કર્યો હતો.
પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટરની T35 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નિષાદ કુમાર જેણે 2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને ભારતનું નામ રોશન કર્યું હતું તેણે પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધાની T47 કેટેગરીમાં 1.99 મીટરનો જમ્પ માર્યો હતો.
આ ઉપરાંત રામ પાલે પણ સારો દેખાવ કર્યો હતો જેને 1.90 મીટરનો જમ્પ મારીને તેણે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું જે તેનો વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ દેખાવ હતો.
ભારતે આ જ રમતોમાં ગયા વર્ષે 10 મેડલો જીત્યા હતા જેમાં 3 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ, અને 3 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
ભારતીય પેરાલિમ્પિક ટીમ વર્ષોથી પેરાલિમ્પિક અને પેરા એથલેટીક્સમાં ભારતનું નામ શિખર ઉપર પહોંચાડતા રહ્યા છે.