ઉત્તર ગુજરાત

ડિસામાં મહિલાને 500 રૂપિયાની નોટ સૂંગાડી દાગીના પોટલીમાં મુક્યા, પોટલી ખોલીને જોયું તો પથરા નીકળ્યા

ડીસા, 2 ડિસેમ્બર 2023, નાસકાંઠાના ડીસામાં ખરીદી કરવા ગયેલી વૃદ્ધ મહિલાને બે ગઠીયાઓએ છેતરીને એક લાખ રૂપિયાના દાગીનાની લૂંટ આચરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે વૃદ્ધની ફરિયાદના આધારે ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાની નજર ચૂકવી દાગીનાની લૂંટ
ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા સંજનાબેન દરબાર માલસામાનની ખરીદી કરવા માટે ડીસા ગયા હતા અને ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઊતરીએ તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બે શખસો રસ્તો પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. તે દરમિયાન એક શખસે તેમને ₹500ની નોટ સુંઘાડી મહિલાને વિશ્વાસમાં લઈ તેમને પહેરેલા દાગીના ઉતરાવીને સફેદ રૂમાલની થેલીમાં બંધાવી દીધા હતા. તે સમયે મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલની પોટલી બદલી દીધી હતી.

ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
બાદમાં આ બંને ગઠિયાઓ મહિલાને ચકમો આપી ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તે સમયે મહિલાએ તેનો પીંછો કર્યો પણ વધુ ન દોડી શકતા બંને ગઠિયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પછી મહિલાએ તેની પાસે રહેલા રૂમાલની પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા. જેથી મહિલા તરત જ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી હતી. બનાવને પગલે મહિલાના પરિવારજનો પણ તરત જ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ ઘટના અંગે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખરીદી કરવા માટે રિક્ષામાં બેસીને ગયા હતાં
આ અંગે છેતરપીંડીનો ભોગ બનનાર સંજનાબેન દરબારે જણાવ્યું હતું કે, તેઓ નાની આખોલ ગામથી માલસામાનની ખરીદી કરવા માટે રિક્ષામાં બેસી ડીસા ફુવારા સર્કલ પાસે પહોંચ્યા હતા. ત્યાં ઉતરીને બજાર તરફ ચાલતા એક યુવક મળ્યો હતો. તેણે અમદાવાદ તરફનો રસ્તો પૂછી તેમની પાસે રહેલી વસ્તુ રાખવા જણાવ્યું હતું. તેવામાં તરત જ એક બીજો છોકરો આવી ગયો અને તેણે મહિલાને કેમ હેરાન કરે છે તેમ કહી મને વિશ્વાસમાં લીધી હતી.

દાગીનાની પોટલી તપાસ કરતા તેમાંથી પથરા મળ્યા
સંજનાબેને વધુમાં જણાવ્યું હતું કે, ત્યાર બાદ યુવકે મને 500 રૂપિયાની નોટ આપી સુંઘાડી અને બંને યુવકો મને ત્યાંથી સિવિલ તરફ લઈ ગયા હતા. તે દરમ્યાન રસ્તામાં મારી પાસેથી કડલા સહિતના તમામ દાગીનાઓ ઉતારાવી રૂમાલમાં રાખી પોટલી બનાવી હતી. તે પછી આ બંને યુવકો મને સિવિલ નજીક આવેલી મુતરડી પાસે લઈ ગયા હતા. ત્યાં જઈ આ બંને યુવકો દોડી ગયા હતા. તે સમયે મેં પણ તેમનો પીછો કર્યો હતો, પરંતુ હું વધુ દોડી ન શકી અને ત્યાં ઊભી રહી દાગીનાની પોટલી તપાસ કરતા તેમાંથી પથરા મળ્યા હતા. આમ આ બંને યુવકો મને છેતરીને દાગીના લઈ જતા મે પોલીસ મથકે ફરિયાદ કરી છે.

Back to top button