કેનેડા ભણવા જવામાં ભારતીયોએ રેકોર્ડ કર્યો : વર્ષ 2022માં 2.26 લાખ સ્ટુડન્ટ પહોંચ્યા
ઉચ્ચ અભ્યાસ માટે ભારતીયોમાં કેનેડાનું આકર્ષણ વધી રહ્યું છે. ગયા વર્ષમાં લગભગ 2.26 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ હાયર એજયુકેશન માટે કેનેડા પહોંચ્યા હતા. કેનેડાના ઈમિગ્રેશન વિભાગના આંકડા પ્રમાણે કેનેડાએ ઇમિગ્રેશનમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. 2022માં વિશ્વના 184 દેશોમાંથી 5.51 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયા હતા.
ચીન અને ફિલિપાઈન્સ બીજા, ત્રીજા નંબરે
કેનેડામાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભારતના હોય છે. ત્યાર પછી ચીન અને ફિલિપાઈન્સનો વારો આવે છે. 2022માં ચીનના 52165 વિદ્યાર્થીઓ હાયર એજયુકેશન માટે કેનેડા ગયા હતા જયારે ફિલિપાઈન્સથી 23380 વિદ્યાર્થીઓ ગયા હતા. આમ ચીનની તુલનામાં ચાર ગણા વધારે ભારતીયો કેનેડા અભ્યાસ માટે ગયા હતા. કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો થતો જાય છે. 2021માં 4.44 લાખ વિદ્યાર્થીઓને પરમિટ ઇશ્યૂ કરાઈ હતી, જયારે 2019માં ચાર લાખ વિદ્યાર્થીઓને કેનેડામાં ભણવાની તક મળી હતી. 2020માં કોવિડના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.
કેનેડાએ વિઝા પ્રક્રિયા ઝડપી બનાવી
કુલ આંકડાની વાત કરવામાં આવે તો 2019માં કેનેડામાં 6.37 લાખ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ આવ્યા હતા જયારે 2021માં આ આંકડો 6.17 લાખનો હતો. કેનેડામાં પહેલેથી હાજર હોય તેવા ટોચના દેશોના વિદ્યાર્થીઓની યાદી બનાવવામાં આવે તો તેમાં પણ ભારત જ સૌથી આગળ છે. ડિસેમ્બર 2022માં 3.19 લાખ ભારતીય સ્ટુડન્ટ્સ કેનેડામાં હાજર હતા. વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવું હોય તો તે માટેની પ્રક્રિયા પણ ઘણી ઝડપી બની છે. IRCCના જણાવ્યા પ્રમાણે મોટા ભાગની અરજીઓ પર 60 દિવસની અંદર નિર્ણય લેવાય છે.
કેનેડાને વિદેશી વિદ્યાર્થીઓના કારણે આર્થિક લાભ પણ થાય
કેનેડાએ ૨૦૨૨માં કુલ મળીને 48 લાખ વિઝા અરજીઓને પ્રોસેસ કરી હતી. કેનેડામાં હાયર એજયુકેશન માટે મોટી સંખ્યામાં કોલેજ અને યુનિવર્સિટી હાજર છે, અમેરિકા અને યુકે કરતા ઓછો ખર્ચ આવે છે, તથા ગ્રેજયુએશન પછી ઈમિગ્રેશનની તક મળે છે. કેનેડાને વિદેશી વિદ્યાર્થીઓના કારણે આર્થિક લાભ પણ થાય છે. કેનેડા સરકારે જણાવ્યું કે વિદેશી વિદ્યાર્થીઓના કારણે કેનેડાના અર્થતંત્રને 15.03 અબજ ડોલરનો ફાયદો થાય છે.
કેનેડા જવાનું કારણ શું ?
કેનેડા જવા માટે સૌથી મહત્ત્વનું કારણ ત્યાં ગ્રેજયુએશન કર્યા પછી મળતી તક છે. કેનેડા એક ઓપન દેશ છે અને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને ખુલ્લા મને આવકારે છે. તેનો પોસ્ટ ગ્રેજયુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ બહુ ઉદાર ગણાય છે. તેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવાની સાથે સાથે કામ કરી શકે છે. તેની મદદથી તેઓ બહુ સરળતાથી કેનેડાના પીઆર પણ મેળવી શકે છે.