ભારતીયોને પ્રતિદિન આશરે 12 ફ્રોડ મેસેજ મળે છે! અત્યાર સુધીમાં 93,000થી વધુ ટેલિકોમ કૌભાંડો નોંધાયા
- 64% નકલી જોબ નોટિફિકેશન/ઓફર અને 52% બેંક ચેતવણી મેસેજો સૌથી વધુ પ્રચલિત પ્રકારનાં કૌભાંડો
નવી દિલ્હી, સપ્ટેમ્બર 07: ભારતીયોને પ્રતિ દિવસ આશરે 12 જેટલા ફ્રોડ મેસેજ મળે છે, અત્યાર સુધીમાં 93,000થી વધુ ટેલિકોમ કૌભાંડો નોંધાયા છે. McAfeeએ લગભગ 64% નકલી જોબ નોટિફિકેશન/ઓફર અને 52% બેંક ચેતવણી મેસેજો સૌથી વધુ પ્રચલિત પ્રકારનાં કૌભાંડોની માહિતી આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધીમાં દેશભરમાં ટેલિકોમ્યુનિકેશન કૌભાંડના 93,081 કેસ નોંધાયા છે, જે ભારતમાં છેતરપિંડી કોમ્યુનિકેશનના કેસોમાં ચિંતાજનક વધારો દર્શાવે છે. આ છેતરપિંડી કોમ્યુનિકેશનમાં બેંક એકાઉન્ટ, પેમેન્ટ વૉલેટ, સિમ કાર્ડ, ગેસ અથવા વીજળી કનેક્શન, KYC અપડેટ, સરકારી અધિકારી અથવા સંબંધી તરીકેનો ઢોંગ, સેક્સટોર્શન અને ઘણું બધું સામેલ છે.
રાંચીમાં છેતરપિંડી કોમયુકેશનનો ભોગ બનેલા 26 વર્ષીય કુણાલ કિશોરે જણાવ્યું હતું કે, “હું છ મહિના પહેલા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘર ભાડે આપવાનો પ્રયાસ કરતી વખતે છેતરપિંડીનો ભોગ બન્યો હતો. ભારતીય આર્મી ઓફિસર તરીકે ઓળખાતા એક વ્યક્તિએ નકલી ID કાર્ડ અને દસ્તાવેજો સાથે ભાડાના બહાને મારી સાથે રૂ. 61,000ની છેતરપિંડી કરી હતી. તેણે મારો ફોન નંબર માંગ્યો અને મને QR કોડ મોકલ્યો. પછી, મારો વિશ્વાસ મેળવવા માટે તેણે મને મારા ખાતામાં 1 રૂપિયા મોકલ્યા. તે પછી, મારી મહેનતના પૈસા મારા ખાતામાંથી કપાઈ ગયા. હવે હું માત્ર એટલું જ કરી શકું છું કે, મારે મારા પૈસા પાછા લાવવા માટે પોલીસ કેસ ઉકેલે તેની રાહ જોવાની.”
આંકડોઓ પર નજર નાખો
ટેલિકોમ્યુનિકેશન વિભાગે અહેવાલ આપ્યો છે કે, અત્યાર સુધીમાં તેમને કૉલ, SMS અને WhatsApp દ્વારા 93,081 અરજીઓ મળી છે. જેમાંથી, અનુક્રમે 60,730 અરજીઓ કૉલ દ્વારા, 29,325 WhatsApp દ્વારા અને 3,026 SMS દ્વારા પ્રાપ્ત થઈ હતી. સૌથી વધુ અરજીઓ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી આવી છે (10,392 કેસ).
અત્યાર સુધીમાં, 80,209 કોલ્સ, 5,988 વોટ્સએપ અને 997 SMS દ્વારા નોંધાયેલા 89,970 કેસ સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,776 મોબાઈલ હેન્ડસેટ, 997 હેડર્સ અને 5,988 વોટ્સએપ એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. જે રાજ્યમાં (લાઈસન્સ્ડ સર્વિસ એરિયાઝ – LSAs) સૌથી વધુ કેસો ઉકેલાયા છે અથવા કાર્યવાહી કરવામાં આવી છે તે રાજ્ય આંધ્ર પ્રદેશ છે (13,380 કેસ).
સાયબર સિક્યુરિટી ફર્મ McAfeeએ શું કહ્યું?
પ્રખ્યાત સાયબર સિક્યુરિટી ફર્મ McAfeeએ 2023માં તેનો પ્રથમ ‘ગ્લોબલ સ્કેમ મેસેજ સ્ટડી’ હાથ ધર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ભારતીયો અઠવાડિયામાં લગભગ 1.8 કલાક ફ્રોડ મેસેજને ઓળખવામાં વિતાવે છે અને તેઓ દરરોજ સરેરાશ 12 કૌભાંડો અથવા નકલી મેસેજ મેળવે છે. કુલ 82 ટકા ભારતીયો નકલી મેસેજ દ્વારા છેતરાયા છે. McAfeeએ લગભગ 64 ટકા નકલી જોબ નોટિફિકેશન/ઓફર અને 52 ટકા બેંક ચેતવણી મેસેજ સૌથી પ્રચલિત પ્રકારનાં કૌભાંડો હોવાની માહિતી આપી છે.
McAfee રિપોર્ટ અનુસાર, 83 ટકા વૉઇસ સ્કેમ પીડિતો અને લગભગ અડધા ભારતીય પ્રતિવાદીઓએ દાવો કર્યો હતો કે, તેઓ વાસ્તવિક વૉઇસ અને ક્લોન વચ્ચેનો તફાવત શોધી શકતા નથી. કુલ 49 ટકા ઉત્તરદાતાઓ માને છે કે, ફ્રોડ મેસેજ ખૂબ જ દોષરહિત, અત્યંત વિશ્વાસપાત્ર હોય છે અને તેમાં વ્યક્તિગત માહિતી પણ હોય છે, જે તેમને શોધવામાં વધુ મુશ્કેલ ઊભી કરે છે.
આ વર્ષે 28 ઓગસ્ટના રોજ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તેના સ્પામ વિરોધી કાયદામાં કેટલાક ફેરફારોની રૂપરેખા આપતું કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું, જેનું કારણ ભારતમાં બનતા છેતરપિંડી, સ્પામ કોલ્સ અને SMSમાં ચાલી રહેલા વધારા પર ધ્યાન રાખવામાં નિયમનકારને પડતી મુશ્કેલીઓ છે.
જો તમને શંકા હોય કે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે અથવા નાણાંકીય છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા છે તો શું કરવું?
- સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરો.
- વેબસાઇટ https://www.cybercrime.gov.in ની મુલાકાત લો.
- https://sancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp પર પોર્ટલ ‘CHAKSHU’ની મુલાકાત લઈને છેલ્લા 30 દિવસમાં મળેલી કોઈપણ શંકાસ્પદ છેતરપિંડી કોમ્યુનિકેશનની જાણ કરો.
- ફરિયાદની જાણ કરવા અને ટ્રેસ કરવા માટે, દૂરસંચાર વિભાગની નાગરિક-કેન્દ્રિત પહેલ, ‘સંચાર સાથી’ પોર્ટલની મુલાકાત લો.
- નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદની જાણ કરો.
સાવચેતીનાં પગલાં
- કોઈપણ અજાણી અથવા શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.
- ટેક્સ્ટ મેસેજ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને વેબ બ્રાઉઝર ટેબ્સમાં અસુરક્ષિત/જોખમી હાઇપરલિંક્સથી દૂર રહો.
- જાણીતા અને વિશ્વાસપાત્ર સ્કેમ પ્રોટેક્શન સોફ્ટવેર અને એપ્સનો ઉપયોગ કરો.
- ફોન/ઓનલાઈન કોઈપણ અજાણ્યા વ્યક્તિની સૂચનાઓને તરત જ અનુસરશો નહીં.
- કોઈપણ પગલાં લેતા પહેલા અને OTP, પિન, પાસવર્ડ, કોઈપણ દસ્તાવેજો અથવા મહત્ત્વપૂર્ણ અંગત વિગતો શેર કરતા પહેલા હંમેશા વિચારો અને બે વાર તપાસો.
આ પણ જૂઓ: સ્પામ કોલ્સ વિરુદ્ધ સપાટો: 50 કંપનીઓ બ્લેકલિસ્ટેડ, 2.5 લાખ ફોન કનેક્શન કપાયા