અમેરિકામાં સુરક્ષિત નથી ભારતીયો : એક જ દિવસમાં પાંચ ભારતીયોની હત્યા
અમેરિકામાં ભારતીયો પર સતત ખતરો વધતો જાય છે. અમેરિકામાં એક જ દિવસમાં પાંચ ભારતીયોની હત્યા કરવામાં આવી છે. ઇન્ડિયાના સ્ટેટમાં ભણતો વિદ્યાર્થી વરુણ છેડાની તો કેલિફોર્નિયામાં આઠ મહિનાની બાળકી સહિત એક જ પરિવારના ચાર લોકોની હત્યા થઈ છે. ભારતીય મૂળના કચ્છી વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની તેની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી અને કેલિફોર્નિયા ખાતે અપહરણ કરાયેલો ભારતીય મૂળના પરિવારના 4 લોકો આજે મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં.
વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની હોસ્ટેલમાં જ કરવામાં આવી હત્યા
અમેરિકામાં આવેલી પર્ડ્યુ યુનિવર્સિટી( Purdue University )માં અભ્યાસ કરી રહેલા વીસ વર્ષીય ભારતીય મૂળના કચ્છી વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની એ રહેતો હતો એ હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ વરુણ મનીષ છેડા પરિસરના પશ્ચિમી કિનારે આવેલા મેક્કચિયન હૉમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. વરુણના કોરિયાઈ રૂમમેટની ધરપકડ કરવામાં આવી છે. જોકે હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
રૂમમેટે જ કરી વરુણની હત્યા
વરુણની હત્યા તેના જ રૂમમેટ જી મિન જિમી શાએ કરી હતી. આ ઘટના મેક્કચિયન હૉલના પહેલા માળે આવેલી એક રૂમમાં ઘટી હતી. વરુણની હત્યા થઈ ત્યારે અનેક લોકોએ વરુણની ચીસો પણ સાંભળી હતી. વરુણ છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ વરુણ છેડાનું મૃત્યુ અનેક તીક્ષ્ણ હથિયારના ઘાને કારણે થયું હતું. વરુણની હત્યાનો વિરોધ કરવા યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા.
આ પણ વાંચો : કેલિફોર્નિયામાં કિડનેપ થયેલા ચારેય ભારતીયોના મૃતદેહ મળ્યાં
કેલિફોર્નિયા ખાતે અપહરણ કરાયેલો ભારતીય મૂળનો પરિવાર મૃત હાલતમાં મળ્યો
કેલિફોર્નિયાની મર્સિડ કાઉન્ટીથી અપહરણ કરાયેલા ભારતીય મૂળના આઠ મહિનાનાં બાળક, એના માતા-પિતા અને કાકા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.આ ચારેય લોકો સોમવારથી લાપતા હતા. આઠ મહિનાની બાળકી, એના માતા-પિતા જસલીન કૌર અને જસદીપ સિંહ તથા કાકા અમનદીપ સિંહ સોમવારથી લાપતા હતા. આને પગલે તેમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.