ખોરાક અંગે ભારતીયોનું વલણ બદલાયું, આવા ખાદ્યપદાર્થો પર કરે છે વધુ ખર્ચ
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: હાઉસહોલ્ડ કન્ઝ્પ્શન એક્સપેન્ડિચર સર્વે (HCES)માં સરકારે મોટો ખુલાસો કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીયો અનાજ અને કઠોળ કરતાં દૂધ, ફળો, શાકભાજી, ઇંડા અને માંસ-મચ્છી પર સૌથી વધુ ખર્ચ કરે છે. નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) દ્વારા હાથ ધરાયેલા HCESના ડેટા દર્શાવે છે કે ગ્રામીણ ભારત માટે 2022-23માં સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (MPCE)માં ખોરાકનો હિસ્સો ઘટીને 46.4% થયો છે, જે 2011માં 52.9% હતો. શહેરી ભારત માટે પણ સમાન ઘટાડો નોંધાયો છે. વર્ષ 1999-2000માં 48.1% હિસ્સો હતો, જે ઘટીને વર્ષ 2022-23માં 39.2% થયો છે.
સમય જતાં વધતી આવક સાથે પરિવારો ખોરાક પર પ્રમાણમાં ઓછો ખર્ચ કરે છે તે આશ્ચર્યજનક ન હોવું જોઈએ. જો કે, રસપ્રદ વાત એ છે કે તેઓ કયા પ્રકારની ખાદ્ય વસ્તુઓ પર વધુ કે ઓછો ખર્ચ કરે છે. તેની સાથે આ પાંચ બાબતો સૂચવે છે:
- ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં એકંદર ખાદ્ય વપરાશના ખર્ચમાં અનાજ અને કઠોળનો હિસ્સો ઘટ્યો છે.
- 2022-23માં દૂધ પર ખર્ચનો હિસ્સો વધ્યો છે, જે અનાજ અને કઠોળના સંયુક્ત ખાદ્યપદાર્થો પર કરતાં વધી ગયો છે.
- આ જ ફળો અને શાકભાજી, સૂક્ષ્મ પોષકતત્ત્વોથી સમૃદ્ધ ખોરાકને લાગુ પડે છે. સરેરાશ ગ્રામીણ તેમજ શહેરી ભારતીયોએ 2022-23માં પ્રથમ વખત ખાદ્યાન્ન કરતાં ફળો અને શાકભાજી પર વધુ ખર્ચ કર્યો છે. ટૂંકમાં અનાજની તુલનામાં શાકભાજી પર અને કઠોળની તુલનામાં ફળો પર ભારતીયો ખર્ચ કરે છે.
- આ ઉપરાંત, ઇંડા, માછલી અને માંસમાં ખર્ચ કરવાનું પ્રમાણ વધ્યું છે. એટલે કે, વનસ્પતિ પ્રોટીન કરતાં પ્રાણી પ્રોટીન માટે ભારતીય ગ્રાહકોમાં સ્પષ્ટ પસંદગી સૂચવે છે.
- ભારતીયો તેમના કુલ ખર્ચના ટકાવારી તરીકે પ્રોસેસ્ડ ફૂડ, પીણાં અને રાંધેલા ભોજન પર વધુ ખર્ચ કરી રહ્યા છે.
આ તમામ પાંચ ટ્રેન્ડ એન્જલ કર્વ પૂર્વધારણા થિયરી સાથે મેળ ખાય છે. આ થિયરીનું નામ 19મી સદીના જર્મન આંકડાશાસ્ત્રી અર્ન્સ્ટ એન્જલના નામ પરથી આપવામાં આવ્યું છે. જે ચોક્કસપણ દર્શાવે છે કે, જેમ-જેમ આવક વધે છે, તેમ-તેમ પરિવારો ખોરાક પર તેનો નાનો હિસ્સો ખર્ચ કરે છે. ખોરાકાની અંદર પણ તેઓ ઓછી ક્વોલિટી કરતાં વધુ સારી ક્વોલિટીની વસ્તુ ખરીદશે.આ કિસ્સામાં, અનાજ, ખાંડ અને કઠોળ કરતાં દૂધ, ઇંડા, માછલી, માંસ, ફળો અને શાકભાજી, પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ “ઉત્તમ” છે.
માથાદીઠ ગ્રાહક ખર્ચમાં અઢી ગણો વધારો નોંધાયો
આ સરકારી સર્વે ઓગસ્ટ 2022 અને જુલાઈ 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો. લોકોના કુલ ખર્ચમાં વધારાને લઈને જે ચિત્ર ઊભું થયું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શહેરી વિસ્તારોમાં માથાદીઠ ગ્રાહકનો સરેરાશ માસિક ખર્ચ વધીને અંદાજે રૂ. 6,459 થયો છે, જે 2011-12માં આશરે રૂ. 2,630 હતો આ સમયગાળા દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં આંકડો 1,430 રૂપિયાથી વધીને અંદાજિત 3,773 રૂપિયા થયો છે. જો આ રીતે જોવામાં આવે તો છેલ્લા 11 વર્ષમાં તમામ સેવાઓ અને ખાદ્યપદાર્થો સહિત સરેરાશ માસિક ખર્ચ અઢી ગણો વધી ગયો છે.
2022-23 માટેનો HCES ડેટા, જોકે, વિવિધ ખાદ્ય અને બિન-ખાદ્ય ચીજો પર માસિક માથાદીઠ વપરાશ ખર્ચના નજીવા મૂલ્યને જ સંબંધિત છે. શનિવારે બહાર પાડવામાં આવેલી NSSO ફેક્ટશીટમાં કિલોગ્રામ અથવા લિટરમાં વપરાશમાં લેવાયેલા તેમના વાસ્તવિક જથ્થાની વિગતો સામેલ નથી. મોંઘવારી વધવાને કારણે ઘરો દૂધ, ઈંડા અને પીણાં પર વધુ ખર્ચ કરી રહ્યા છે કે પછી આ વસ્તુઓના વપરાશમાં વધારો થઈ રહ્યો છે તે વિગતવાર સર્વે રિપોર્ટ બહાર આવશે ત્યારે ખબર પડશે.
આ પણ વાંચો: ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજ