ભારતીય યુવા કોંગ્રેસે યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ સિઝન-4 કર્યું લૉન્ચ
અમદાવાદ, 11 જાન્યુઆરી: ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે યંગ ઈન્ડિયા બોલ પ્રોગ્રામ ‘સિઝન-4’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી સુધી કરી શકાશે. આ પ્રસંગે ઑલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઓમ જાટે જણાવ્યું હતું કે યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ યુવાનો માટે રાજકારણમાં પ્રવેશવા માટેનું અનોખું પ્લેટફોર્મ પૂરું પાડશે. યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના વિજેતાઓને આગામી સમયમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્લેટફોર્મ આપવામાં આવશે.
20 જાન્યુઆરી સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન
આ અવસરે ઓમ જાટે જણાવ્યું કે, આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ કે, પોતાની વાત રજૂ કરવા માટેની આઝાદી મળી રહી નથી ત્યારે યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ પોતાની વાત રજુ કરવા માટે યુવાનોને પ્લેટ ફોર્મ પુરુ પાડશે. ભ્રષ્ટાચાર અને તાનાશાહી સરકાર યુવાનોને દબાવી રહી છે ત્યારે યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ થકી સરકાર સામે અવાજ ઉઠાવી શકાશે. યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 20 જાન્યુઆરી 2024 સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.
કાર્યક્રમમાં 40 વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમમાં સ્થાનિક, પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરની સમસ્યા વિશે અસરકારક વાત રજૂ કરનારને સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં 18 થી 40 વર્ષની ઉંમરના લોકો ભાગ લઈ શકશે. આ કાર્યક્રમમાં ઑલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેટ્ટા ડીસોઝા, ગુજરાત પ્રદેશ મીડિયા પ્રભારી સચિન સાવંત, ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશી, હેમાંગ રાવલ, મનહરભાઈ પટેલ, હિરેન બેંકર, સંજય ગઢવી અને યુવા કોંગ્રેસના પ્રવક્તા સુભાન સૈયદ, શરીફ કાનૂગા, જયમીન સોનારા અને અમદાવાદ યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈમરાન શેઠજી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આપ્યુ મોટું નિવેદન