સ્પોર્ટ્સ ડેસ્કઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. એક રોમાંચક મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યજમાન ઈંગ્લેન્ડને 4 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ એક મેડલ પણ સુનિશ્ચિત કર્યો છે, જ્યાં ટીમ ગોલ્ડ અથવા ઓછામાં ઓછું સિલ્વર મેડલ જીતશે.
ફાઇનલમાં હવે ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે જેણે અન્ય સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટથી હરાવી ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. ત્યારે બ્રોન્ઝ મેડલ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલની મેચ રવિવારે જ રમાશે.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં 164 રન બનાવ્યા હતા. જેમાં સ્મૃતિ મંધાનાના 61 અને જેમિમા રોડ્રિગ્સના મજબૂત 44 રનનો સમાવેશ થાય છે. આ પછી જ્યારે યજમાન ટીમ 165 રનના ટાર્ગેટ પૂરો કરવા ઉતરી ત્યારે ટીમને સારી શરૂઆત મળી હતી. છેલ્લી કેટલીક ઓવરોમાં પણ ઈંગ્લેન્ડની ટીમ જીતી રહી હોય તેવું લાગી રહ્યું હતું.
જો કે, ભારતીય ટીમે સારી ફિલ્ડિંગ કરી અને કેટલીક રન આઉટની તકોનો ફાયદો ઉઠાવ્યો. આ જ કારણ હતું કે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવી શકી હતી અને 4 રનથી મેચ હારી ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ તરફથી કેપ્ટન નતાલી સાયવરે 41 રન અને ડેનિયલ વ્યાટે 35 રન બનાવ્યા હતા. સોફિયા ડંકલે 19 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી સ્નેહ રાણાને 2 વિકેટ મળી હતી, જ્યારે દીપ્તિ શર્માને એક સફળતા મળી હતી.
ભારત માટે સારી વાત એ હતી કે, જ્યારે પણ ટીમ વિકેટની શોધમાં હતી ત્યારે ઈંગ્લેન્ડની વિકેટ રન આઉટના રૂપમાં પડી હતી. 6માંથી 3 વિકેટ રન આઉટ તરીકે પડી હતી. ઈંગ્લેન્ડની હારનો આ સૌથી મોટો તફાવત હતો. હવે ભારતીય ટીમનો મુકાબલો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બ્રોન્ઝ મેડલ માટે બીજી સેમિફાઇનલની રનર્સ-અપ ટીમ સામે ટકરાશે.