ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય: BCCIની સ્પષ્ટતા
- ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષની શરૂઆતમાં થવાનું છે, જેની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે છે
નવી દિલ્હી, 8 નવેમ્બર: ભારતીય કંટ્રોલ ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટું અપડેટ આપ્યું છે. BCCI સ્પષ્ટ કર્યું છે કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવા માંટે પાકિસ્તાન નહીં જાય. તેમનું કહેવું છે કે, ટીમ તેની મેચ ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. મહત્ત્વપૂર્ણ છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષની શરૂઆતમાં થવાનું છે અને ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે છે. એવા અહેવાલો પણ બહાર આવી રહ્યા છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે સંમતિ દર્શાવી છે. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયા તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ UAEમાં રમી શકે છે. અગાઉ એશિયા કપનું પણ હાઇબ્રિડ મોડલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
BCCIએ PCBને સ્પષ્ટ શબ્દોમાં આ વાત કહી
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. અહેવાલ મુજબ, BCCIએ PCBને સ્પષ્ટ શબ્દોમાં આ વાત કહી છે. આ જ કારણ છે કે હવે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતની તમામ મેચ UAEમાં યોજવા માટે સંમત થઈ ગયું છે. મહત્ત્વપૂર્ણ છે કે, BCCI સેક્રેટરી જય શાહે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા અંગેનો અંતિમ નિર્ણય ભારત સરકાર લેશે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી રાજકીય સંબંધો ખૂબ જ ખરાબ છે અને આ જ કારણ છે કે સરકાર ભારતીય ટીમ રોહિત એન્ડ કંપનીને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી.
ટૂંક સમયમાં ટાઈમટેબલ જાહેર થઈ શકે છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે. અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત 11 નવેમ્બરે થઈ શકે છે. અહેવાલનું માનીએ તો ભારતીય ટીમને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવી શકે છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો પણ સામેલ થઈ શકે છે. તે જ સમયે, ગ્રુપ Bમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર જંગ જોવા મળી શકે છે.
આ પણ જૂઓ: SA T20 સીરીઝમાં ભારતના આ બે ખેલાડીઓ વચ્ચે નંબર-1 બનવાની સ્પર્ધા થશે