એશિયા કપ 2022માં ફ્લોપ શો બાદ ટીમ ઈન્ડિયા હવે તેના આગામી મિશન પર જશે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે સીરીઝ રમવાની છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સિરીઝ અને T20 વર્લ્ડ કપ બંને માટે ટીમની જાહેરાત આજે થઈ શકે છે. પસંદગી સમિતિની બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ ભાગ લેશે.
T20 World Cup માટે આજે ટીમની પસંદગી કરાઈ શકે છે
જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ફાસ્ટ બોલર જોડી ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પરત ફરે તેવી અપેક્ષા છે. બંને બોલર ઈજાના કારણે યુએઈમાં એશિયા કપ રમી શક્યા ન હતા. બંને ફાસ્ટ બોલરોએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે જે રાષ્ટ્રીય ટીમમાં પરત ફરવા માટે જરૂરી છે. હર્ષલ સાઇડ સ્ટ્રેઇન અને બુમરાહને પીઠની ઇજાને કારણે જુલાઈથી ક્રિકેટના મેદાનની બહાર હતો. જાણવા મળ્યું છે કે બંનેએ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવી લીધી છે અને સામાન્ય રીતે બોલિંગ કરી રહ્યા છે. અગાઉ 8 ઓગસ્ટે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે BCCIએ કહ્યું હતું કે બુમરાહ અને હર્ષલ બંને NCAમાં છે. બુમરાહ અને હર્ષલની ટીમમાં વાપસીને ધ્યાનમાં રાખીને એક પેસ બોલર અને સ્પિનરને તેમના માટે જગ્યા બનાવવી પડશે.
ટીમમાં બોલિંગ ડિપાર્ટમેન્ટમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
ઝડપી બોલરોમાં અવેશ ખાન ટીમની બહાર રહેશે જ્યારે લેગ સ્પિનર રવિ બિશ્નોઈને પણ ટીમમાંથી બહાર થવું પડશે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ પસંદગી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. એશિયા કપની ટીમમાંથી બહાર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ધ્યાનમાં લેવામાં આવશે કે કેમ તે અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. એશિયા કપની ટીમમાંથી શમીને બાકાત રાખવાની નિષ્ણાતો અને કોમેન્ટેટરો દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.
વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે
પસંદગીકારો ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ઘરેલુ T20I સીરીઝમાં બુમરાહ અને હર્ષલના પ્રદર્શન પર નજર રાખશે. બંનેને મુલાકાતી ટીમો સામેની મેચમાં રમવા માટે કહેવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ ટીમની પસંદગી માટે પસંદગી સમિતિ 15 સપ્ટેમ્બરે બેઠક કરી શકે છે. વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે. બુમરાહ અને હર્ષલ ઉપરાંત દીપક હુડાને સામેલ કરવા અને બે કીપર બેટ્સમેન તરીકે રિષભ પંત અને દિનેશ કાર્તિકને રાખવા પર પણ ચર્ચા થશે. આ બંનેની પસંદગી કરવામાં આવે તેમાં કોઈ નવાઈની વાત નથી પરંતુ આ માટે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માનો અભિપ્રાય ચોક્કસ લેવામાં આવશે.