- દુબઈ અથવા શ્રીલંકામાં મેચ યોજવા માટે આઈસીસી કરી શકે છે માંગ
- ગયા વર્ષે એશિયા કપનું પણ હાઇબ્રિડ મોડલ હેઠળ કરાયું હતું આયોજન
નવી દિલ્હી, 11 જુલાઈ : આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ પડોશી દેશમાં જશે કે કેમ તેના પર સૌની નજર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય.
BCCI શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવાની કરી શકે છે માંગ
એક ન્યૂઝ એજન્સી અનુસાર આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન જવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI ICCને દુબઈ અથવા શ્રીલંકામાં મેચ યોજવા માટે કહી શકે છે. આ પહેલા ગયા વર્ષે એશિયા કપનું પણ હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતની તમામ મેચો શ્રીલંકામાં યોજાઇ હતી.
આ પણ વાંચો : સુરતમાં બિલ્ડીંગ પડવાની દુર્ઘટનામાં બિલ્ડર પંકજ ડુંગરાણીની ધરપકડ કરાઇ, હવે થશે મોટા ખુલાસા
પાકિસ્તાને તૈયારીઓ પણ શરૂ કરી દીધી
PCBએ આ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીસીબીએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં તેના સ્ટેડિયમના નવીનીકરણ માટે લગભગ 17 અબજ રૂપિયા ફાળવ્યા છે. પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ બોર્ડના સભ્યોને કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન સંપૂર્ણપણે પાકિસ્તાનમાં કરવામાં આવશે અને આ મહિનાના અંતમાં કોલંબોમાં યોજાનારી આઈસીસીની વાર્ષિક બોર્ડ મીટિંગમાં તેના પર વધુ ચર્ચા કરવામાં આવશે.
BCCIના નિર્ણય પર હવે સૌની નજર
1996 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે પાકિસ્તાન કોઈ મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરશે, જોકે તેણે 2008માં સમગ્ર એશિયા કપ અને ગયા વર્ષે પણ તેની ધરતી પર સમાન ટુર્નામેન્ટની કેટલીક મેચોની યજમાની કરી હતી. BCCIએ હજુ સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી કે તે ભારતીય ટીમને ICC ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન મોકલશે કે નહીં. તમામની નજર બોર્ડના આ નિર્ણય પર ટકેલી છે.
આ પણ વાંચો : કઠુઆ બાદ હવે અમરનાથ યાત્રા પર મંડરાઈ રહ્યો છે ખતરો, IED લગાવવાના ઈનપુટ્સ