લોન લઈને કેનેડામાં ભણવા આવતા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું રોળાયું
- વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ નોકરીના ફાંફા
- મકાનના ભોંયરા રહેવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ
- કેેનેડિયન સરકાર વિદ્યાર્થીઓને આવકના સ્ત્રોત તરીકે જુએ છે
કેનેડા જવા માટે લાખો રૂપિયા ખર્ચતા ભારતીયોની હાલત કફોડી બની છે. સારા પૈસા કમાવવાની આશાએ આવનારાઓના સપનાં ચકનાચૂર થઈ રહ્યા છે. એક તરફ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે તો બીજી તરફ અહીં ભારતીય વિદ્યાર્થીઓ રોજગારીની સાવ ઓછી સંભાવનાઓ વચ્ચે મોંઘા ઘરમાં રહેવા મજબૂર થઈ રહ્યા છે. આ સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓ કેનેડા જઈને સારી કારકિર્દી બનાવવાનું સપનું રોળાઈ રહ્યું છે. હાલ વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ નોકરી મળી રહે તેના પણ ફાંફા છે.
કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 40% એટલે કે 2.4 લાખ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ છે. દિવસે ને દિવસે ઈમિગ્રેન્ટ્સની સંખ્યા સ્થિતિને વધુ ખરાબ બનાવી રહી છે. ઓછું વેતન અને ઘરના ભાડાના લીધે વિદ્યાર્થીઓ મકાનના ભોંયરા કે સ્ટોર રૂમમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ખાસ કરીને ઑન્ટેરિયાના રહેણાંક વિસ્તારોમાં તેઓ સામાન લઈને ભટકી રહ્યા છે. વિદ્યાર્થીઓએ આવી સ્થિતિ બદલ એજન્ટોની અનૈતિકતાને દોષી ઠેરવી છે. તેમને સપનાં દેખાડી અહીં બોલાવે છે, પણ વાસ્તવિકતા કંઈ અલગ જ છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓ ઘર, ખોરાક અને નોકરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આ ઉપરાંત કેનેડામાં પૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે સામાન્ય કેનેડિયનોને તકલીફ પડે છે. પરિણામે, મકાનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. જસ્ટિન ટ્રુડોની સરકાર તેની શૈક્ષણિક સંસ્થાઓને અભ્યાસ પરમિટ જારી કરવાની મંજૂરી આપવા બદલ ટીકાનો સામનો કરી રહી છે. બીજી તરફ, કેનેડા સરકાર પોતે હાઉસિંગ સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો કરી રહી છે. કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ મનન ગુપ્તાનું કહેવું છે કે કોલેજો અને યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકના સ્ત્રોત તરીકે જુએ છે. આ ઉપરાંત, કેનેડાના વિદ્યાર્થીઓની તુલનામાં તેમની પાસેથી ટ્યુશન ફીમાં ત્રણથી પાંચ ગણો ચાર્જ લેવામાં આવે છે.
ઑન્ટેરિયોમાં રહેતા વિદ્યાર્થીઓનું કહેવું છે, બે વર્ષ પહેલા આવી ખરાબ સ્થિતિ નહોતી. આ વર્ષે વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો છે જેના કારણે ઘર અને નોકરી શોધવાનું પણ લગભગ અશક્ય બની ગયું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં સ્થાયી થવા અને તેમનું જીવનધોરણ સુધારવા માટે આવે છે. પરંતુ, એજન્ટો અહીં આવતા પહેલા પૂરેપૂરું સત્ય કહેતા નથી અને માતા-પિતાને છેતરે છે. એટલું જ નહીં, કામના અભાવે વિદ્યાર્થીઓ માટે લાંબા સમય સુધી ટકી રહેવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.
ટૂંકમાં, લાખોની લોન લઈને અહીં ભણવા આવતાં વિદ્યાર્થીઓને આજે રહેવાના ઠેકાણા નથી. કરિયાણું એટલા હદે મોંઘું છે કે તેમને ફૂડ બેન્કનો આધાર લેવો પડે છે. આ તમામ સમસ્યા વિદ્યાર્થીઓને તણાવમાં નાખી રહી છે જે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો: કેનેડામાં નોકરી કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન