ભારતીય વિદ્યાર્થિની અમેરિકામાં લાપતા, તેને શોધવા કેલિફોર્નિયા પોલીસે માગી મદદ
કેલિફોર્નિયા, 3 જૂનઃ અમેરિકા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની હત્યા અને લાપતા થવાની ઘટના અટકવાનું નામ નથી લેતી. ગયા અઠવાડિયે કેલિફોર્નિયામાં 23 વર્ષની વધુ એક વિદ્યાર્થિની લાપતા થઈ હોવાના સમાચાર છે. કેલિફોર્નિયા પોલીસે આ સંદર્ભમાં એક યાદી બહાર પાડીને ભારતીય વિદ્યાર્થિનીને શોધવામાં મદદ કરવા અમેરિકી નાગરિકોને વિનંતી કરી છે.
પોલીસે જણાવ્યું કે, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સેન બર્નાર્ડિનોની વિદ્યાર્થિની નિતિશા કંડુલા 28 મેએ લાપતા થઈ છે. યુનિવર્સિટીના પોલીસ વડા જ્હોન ગુટરેજે ગઈકાલે રવિવારે એક્સ હેન્ડલ ઉપર માહિતી આપી કે, નિતિશા છેલ્લે લોસ એન્જેલસમાં જોવા મળી હતી અને ત્યારબાદ 30 મેથી તે લાપતા હોવાનું જાણવા મળે છે. પોલીસે નિતિશા વિશે કોઈ જાણકારી મળે તો તે આપવા માટે એક ટેલિફોન નંબર પણ જારી કર્યો છે.
View this post on Instagram
2024માં જ અમેરિકામાં સાત ભારતીય વિદ્યાર્થીના અકાળ મૃત્યુ
અમેરિકામાં ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહિનાના ગાળામાં ઓછામાં ઓછા સાત વિદ્યાર્થી મૃત્યુ પામ્યા છે. તેમાંથી કેટલાક વિદ્યાર્થી આ જ રીતે લાપતા થયા હતા અને છેવટે થોડા દિવસ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા.
સૌપ્રથમ જાન્યુઆરી 2024માં ઓહાયોમાં લિન્ડનર સ્કૂલ ઑફ બિઝનેસના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીનો મૃતદેહ મળ્યો હતો. એ જ મહિનામાં પર્ડ્યુ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નીલ આચાર્ય લાપતા થયો હતો અને છેવટે થોડા દિવસ પછી તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા.
ફેબ્રુઆરી 2024માં આવી ઓછામાં ઓછા ચાર ઘટના બની હતી. બીજી ફેબ્રુઆરીએ વૉશિંગ્ટનમાં એક રેસ્ટોરાંની બહાર ભારતીય મૂળના આઈટી એક્ઝિક્યુટિવ વિવેક તનેજા ઉપર હુમલો થયો હતો. આ હુમલો તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. જ્યારે પાંચમી ફેબ્રુઆરીએ ઈન્ડિયાનામાં ભારતીય મૂળના વિદ્યાર્થી સમીર કામથનો મૃતદેહ મળી આવ્યો હતો. સમીર કામથ પણ પર્ડ્યુ યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હતો. એ જ પ્રમાણે ઈલિનોય યુનિવર્સિટીમાં ભણતા અકુલ ધવનનું પણ અકાળ મૃત્યુ થયું હોવાના અહેવાલ ફેબ્રુઆરીમાં મળ્યા હતા.
ત્યારપછી માર્ચમાં અભિજીત પારુચુરના મૃત્યુના અહેવાલ પણ આવ્યા હતા. જોકે, અભિજીતના કેસમાં તો હજુ સુધી મૃત્યુના સમાચારને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. માર્ચમાં જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને કુચુપુડી નૃત્યકાર અમરનાથ ઘોષને સેન્ટ લુઈમાં ગોળી મારી દેવામાં આવી હતી. 2023માં અમેરિકા ગયેલા અમરનાથ ઘોષ પરનો હુમલો એટલો ખતરનાક હતો કે પોસ્ટમોર્ટમ દરમિયાન તેમના શરીરમાંથી અનેક ગોળી નીકળી હતી.
આ પણ વાંચોઃ તમિલનાડુની એન્જિનિયરિંગ કોલેજના 42 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ