દેવભૂમિ દ્વારકાથી પાકિસ્તાન માહિતી પહોંચાડનાર જાસૂસ ઝડપાયો
- ગુજરાત ATSની ટીમે ઓખાના આરંભડા ગામેથી દીપેશ ગોહેલની કરી ધરપકડ
- આરોપી દીપેશ શિપ અંગેની માહિતી વોટ્સએપના માધ્યમથી દુશ્મન સુધી પહોંચાડતો હતો
અમદાવાદ, 29 નવેમ્બર : દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી એક પાકિસ્તાની જાસૂસને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો છે. આરોપી ઓખા પોર્ટ ઉપર આવતી સેનાની શિપ અંગેની માહિતી વોટ્સએપના માધ્યમથી પહોંચાડતો હોવાનું જાણવા મળતા તેને ઉઠાવી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર.ચૌધરીનાઓને ગુપ્ત બાતમી મળેલ કે, દિપેશભાઇ બટુકભાઇ ગોહેલ રહે. જય અંબે સોસાયટી, ત્રીજા ફાટક પાસે, ગામ: આરંભડા, ઓખા મંડળ, દેવભૂમિ-દ્વારકા છેલ્લા કેટલાક સમયથી કોઇ પાકિસ્તાની આર્મી કે જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ના કોઇ અધિકારી કે એજન્ટ સાથે WhatsAppના માધ્યમથી સંપર્કમાં છે. આ બાતમી હકીકત બાબતે એ.ટી.એસ.ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા તેઓની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પરમારના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત શખસ દિપેશભાઇ ગોહેલને પૂછપરછ અર્થે એ.ટી.એસ. ગુજરાત, અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ હતો.
જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે છેલ્લા ત્રણેક વર્ષથી ઓખા જેટી ઉપર કોસ્ટગાર્ડની બોટોના રીપેરીંગનું કામ કરી રહેલ છે. આજથી સાતેક મહિના પહેલા તે ફેસબુક પર ‘Sahima’ નામ ધરાવતી એક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવેલ હતો. પોતે એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ ‘Sahima’ ફેસબુક પ્રોફાઈલ ધારકે દિપેશ ગોહેલ સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કરેલ હતો. દરમ્યાન ઉપરોક્ત સાહીમાએ દિપેશ ગોહેલને તેના કામ વિષે પુછતા તેણે ઓખા પોર્ટ ખાતે ડિફેન્સની બોટોમાં વેલ્ડીંગ તથા ઇલેકટ્રીક તથા ફર્નિચરને લગતુ કામકાજ કરતો હોવાનું જણાવેલ હતું.
ત્યાર બાદ Sahimaએ તેને જણાવેલ કે ઓખા પોર્ટ ઉપર કોસ્ટગાર્ડની જે કોઇ શીપ ઉભી હોય તેના નામ તથા નંબરની માહિતી તેને આપવી અને તે તેને રોજના રૂ.200/- લેખે દર મહિને પૈસા તેના બેંક ખાતામાં જમા કરાવશે. જેથી દિપેશ ગોહેલે Sahima ને વોટસએપના માધ્યમથી પૈસાની લાલચમાં દર રોજ ઓખા જેટી ઉપર જઇ ત્યાં હાજર બોટોના નામ તથા નંબરની તથા પૈસા મેળવવા પોતાના મિત્રોના UPI-Linked નંબરોની માહિતી મોકલેલ આપેલ હતી અને તે બદલ સાહિમાએ તેણે આપેલ તેના મિત્રોના બેંક ખાતામાં છેલ્લા સાત-આઠ મહિના દરમ્યાન રૂ.42000/- જેટલા યુ.પી.આઇ.થી જમા કરાવેલ છે.
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પરમારના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એ.આર. ચૌધરી તથા વાયરલેસ પો.સ.ઈ. જે.પી. વરમોરા દ્વારા ઉપરોત માહિતીની ખરાઈ કરતા તેમાં તથ્ય હોવાનું જાણવા મળેલ છે. વધુમાં Sahimaએ દિપેશ ગોહેલ સાથે ચેટ કરેલ WhatsApp એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલવા પામેલ છે. જેથી આ પ્રકારની સંવેદનશીલ માહિતી જો પાકિસ્તાન જેવા દેશ માટે જાસૂસી કરી રહેલ એજન્ટને મળે તો તે ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરીક સલામતી માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.
જે બાબત ધ્યાને લઈ ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે દિપેશ ગોહેલ તથા પાકીસ્તાની મહિલા એજન્ટ Sahima દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડના રીસોર્સીસ અંગેની માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૬૧ તથા કલમ ૧૪૮ મુજબ ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- પાલનપુરમાંથી બે સરકારી સર્વેયર રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા