અરબી સમુદ્રમાં ભારતીય જહાજ ડૂબતાં, પાકિસ્તાની નેવીએ 9 ભારતીયોને બચાવ્યા, 1 મૃતદેહ મળ્યો
પાકિસ્તાન નેવીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે અરબી સમુદ્રમાં ડુબી જતાં ભારતીય જહાજના નવ ક્રૂ મેમ્બરને ડૂબતા બચાવ્યા હતા. પાકિસ્તાન નેવીના ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના 9 ઓગસ્ટના રોજ બલૂચિસ્તાન પ્રાંતના દરિયાકાંઠાના શહેર ગ્વાદર પાસે બની હતી. જ્યારે ભારતીય જહાજ ‘જમના સાગર’ ડૂબી ગયું હતું. તેમાં 10 ક્રૂ મેમ્બર હતા. નિવેદન અનુસાર, નૌકાદળને જહાજ વિશે માહિતી મળી, જેના પગલે પાકિસ્તાન મેરીટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે નજીકના વેપારી જહાજ એમટી ક્રુઇબેકેને ભારતીય જહાજના ક્રૂને જરૂરી સહાય પૂરી પાડવા વિનંતી કરી. નિવેદનમાં જણાવાયું છે, જહાજએ આખરે નવ ક્રૂ સભ્યોને બચાવ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન નૌકાદળના જહાજને બાદમાં ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો હતો, જેને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવ્યો હતો.
પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે, કાર્યવાહી પૂરી થયા બાદ મૃતદેહ ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. આ મિશનને લઈને પાકિસ્તાની નૌકાદળ તેના ભારતીય સમકક્ષોના સંપર્કમાં છે. આ જહાજ ગ્વાદર પાસે કેવી રીતે ડૂબી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી. જહાજના ક્રૂની પૂછપરછ બાદ જ આ ઘટનાનું કારણ જાણી શકાશે.
પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ગ્વાદરની આસપાસનું વાતાવરણ સારું હતું. દરિયામાં મોજા પણ સામાન્ય હતા. આવી સ્થિતિમાં, ખરાબ હવામાન ડૂબવાનું કારણ બનવાની સંભાવના ઘણી ઓછી છે.
શ્રીલંકાએ પાકિસ્તાની યુદ્ધ જહાજને કોલંબોમાં રોકવાની મંજૂરી આપી છે
બીજી તરફ શ્રીલંકાએ ચીન નિર્મિત પાકિસ્તાન યુદ્ધ જહાજ પીએનએસ તૈમૂરને કોલંબોમાં રહેવાની મંજૂરી આપી છે. શ્રીલંકાએ પાકિસ્તાની જહાજને આ પરવાનગી બાંગ્લાદેશ સરકારે ચિત્તાગોંગ બંદર પર રોકવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યા પછી આપી હતી. પાકિસ્તાન નેવીમાં સામેલ થવા માટે આ જહાજ 15 ઓગસ્ટે અહીં આવી રહ્યું છે. આ યુદ્ધજહાજ શાંઘાઈથી કરાચીની સફર દરમિયાન 7 થી 10 ઓગસ્ટ સુધી ચિત્તાગોંગ બંદરની બહાર લંગરવાનું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારે પીએનએસ તૈમૂરને રહેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે, ઓગસ્ટ એ વડા પ્રધાન શેખ હસીના માટે શોકનો મહિનો છે. તેમના પિતા શેખ મુજીબ-ઉર-રહેમાનની 15 ઓગસ્ટ, 1975ના રોજ હત્યા કરવામાં આવી હતી.
શ્રીલંકાના બંદર પર ચાઇનીઝ નિર્મિત પાકિસ્તાની યુદ્ધ જહાજનું સ્ટોપેજ એ પછી આવ્યું છે, જ્યારે કોલંબોએ તાજેતરમાં બેઇજિંગને વ્યૂહાત્મક હમ્બનટોટા બંદર પર ચીનના સંશોધન જહાજની મુલાકાત મુલતવી રાખવા વિનંતી કરી હતી. તે પછી ભારતે સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીલંકાની સરકારની પરવાનગી બાદ લેસર ગાઈડેડ મિસાઈલથી સજ્જ યુદ્ધ જહાજ હવે કોલંબો બંદર પર લાંગરવામાં આવ્યું છે.