ભારતીય રેલવેની આર્થિક સ્થિતિ સારી, મુસાફરોને વધુ સબસિડી આપે છે: કેન્દ્રીય રેલવે મંત્રી

નવી દિલ્હી, 18 માર્ચ 2025: કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે મુસાફરોને સસ્તા ભાડામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાની સાથે વૈશ્વિક સ્તરે પણ એક અલગ ઓળખ બનાવી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતમાં પડોશી દેશો જેવા કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની સરખામણીએ રેલવેનું ભાડું ઓછું છે, જ્યારે પશ્ચિમનાં દેશોમાં ભારત કરતાં 10થી 20 ગણું વધારે છે.
રેલ યાત્રીઓને અપાતી સબસિડી અંગે રેલવે મંત્રીએ કહ્યું કે, હાલમાં ટ્રેન દ્વારા કિલોમીટર દીઠ મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી માત્ર 73 પૈસાનો જ ચાર્જ લેવામાં આવે છે, એટલે કે 47 ટકા સબસિડી આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23માં, મુસાફરોને ₹57,000 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જે 2023-24માં વધીને આશરે ₹60,000 કરોડ (કામચલાઉ આંકડો) થઈ ગઈ છે. અમારું લક્ષ્ય ન્યૂનતમ ભાડા પર સલામત અને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાનું છે.
કેન્દ્રીય મંત્રીએ રેલવે વિદ્યુતીકરણના ફાયદાઓ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, મુસાફરોની વધતી જતી સંખ્યા અને નૂર પરિવહન છતાં ઊર્જાનો ખર્ચ સ્થિર રહ્યો છે. ભારતીય રેલ્વે 2025 સુધીમાં ‘સ્કોપ 1 નેટ ઝીરો’ અને 2030 સુધીમાં ‘સ્કોપ 2 નેટ ઝીરો’ પ્રાપ્ત કરવાના લક્ષ્ય પર કામ કરી રહી છે. તેમણે માહિતી આપી હતી કે, બિહારમાં મધેપુરા ફેક્ટરીમાં ઉત્પાદિત લોકોમોટિવ્સની નિકાસ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં ભારતીય રેલવેના પેસેન્જર કોચ મોઝામ્બિક, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, જ્યારે લોકોમોટિવ્સ મોઝામ્બિક, સેનેગલ, શ્રીલંકા, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય બોગી અંડરફ્રેમની નિકાસ યુનાઇટેડ કિંગડમ, સાઉદી અરેબિયા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી રહી છે, જ્યારે પ્રોપલ્શન પાર્ટ્સ ફ્રાન્સ, મેક્સિકો, જર્મની, સ્પેન, રોમાનિયા અને ઇટાલીમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ વર્ષે ભારતમાં 1,400 લોકોમોટિવ્સનું ઉત્પાદન થયું છે, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતા વધારે છે. આ સાથે જ કાફલામાં 2 લાખ નવા વેગન ઉમેરવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, 31 માર્ચે પૂરા થતાં નાણાકીય વર્ષમાં ભારતીય રેલવે 1.6 અબજ ટન કાર્ગોનું પરિવહન કરશે, જેનાથી ભારત ચીન અને અમેરિકા સહિત વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સ્થાન મેળવશે. આ રેલ્વેની વધતી જતી ક્ષમતા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં તેની નોંધપાત્ર ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સુરક્ષા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, એલએચબીના 41,000 કોચ તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ આઇસીએફ કોચને એલએચબી કોચમાં પરિવર્તિત કરવામાં આવશે. લાંબી રેલ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ, ફોગ સેફ્ટી ડિવાઇસ અને ‘કવચ’ સિસ્ટમ ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, અગાઉ રેલવેને ₹25,000 કરોડની સહાય મળતી હતી, જે હવે વધીને ₹2.5 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે, જેના પગલે માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. દરમિયાન, 50 નમો ભારત ટ્રેનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે ટૂંકા અંતરની મુસાફરી માટે એસી અને નોન-એસી બંને વિકલ્પો પ્રદાન કરે છે.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર તાજેતરમાં થયેલા અકસ્માત અંગે કેન્દ્રીય રેલવે મંત્રીએ ગૃહને માહિતી આપી હતી કે આ દુ:ખદ ઘટનાની તપાસ એક ઉચ્ચસ્તરીય સમિતિ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અને તમામ ડેટા સુરક્ષિત કરી લેવામાં આવ્યા છે, અને લગભગ 300 લોકો સાથે વાત કરીને તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે.
મંત્રીએ કહ્યું કે અમારી સરકાર ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે એસી કોચની તુલનામાં જનરલ કોચની સંખ્યામાં 2.5 ગણો વધારો કરવામાં આવી રહ્યો છે. હાલના પ્રોડક્શન પ્લાન મુજબ 17 હજાર નોન એસી કોચના મેન્યુફેક્ચરિંગનો પ્રોગ્રામ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેની નાણાકીય સ્થિતિ સારી છે, અને સુધારણા માટેના સતત પ્રયાસો ચાલુ છે. રેલવેએ કોવિડ રોગચાળાને લગતા પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. મુસાફરોની સંખ્યા વધી રહી છે, અને નૂર પરિવહન પણ વધી રહ્યું છે. હવે રેલવેની આવક લગભગ ₹2.78 લાખ કરોડ છે અને ખર્ચ ₹2.75 લાખ કરોડ છે. ભારતીય રેલવે પોતાની આવકમાંથી તમામ મોટા ખર્ચા કવર કરી રહી છે, જે રેલવેના સારા પ્રદર્શનને કારણે શક્ય બન્યું છે.
રાજ્યસભામાં પોતાનાં સમાપન સંબોધનમાં શ્રી વૈષ્ણવે ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં રેલવે વધારે આધુનિક, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા સ્વરૂપે બહાર આવશે.
આ પણ વાંચો: ભારતમાં હ્યૂમન કોરોના વાયરસની એન્ટ્રી, આ રાજ્યમાં આવ્યો કેસ, જાણો તેના લક્ષણો અને સાવચેતીના પગલા