ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના આગામી વડાપ્રધાન બને તેવી શક્યતાઓ છે. બ્રિટનની એક અગ્રણી કંપનીએ આગાહી કરી છે કે, વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ટૂંક સમયમાં રાજીનામું આપશે અને તેમના ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનક આગામી વડાપ્રધાન બનશે.
જ્હોન્સન ગમે ત્યારે રાજીનામું આપી શકે છે
ઓનલાઈન ગેમ્બલિંગ કંપની બેટફેર કહે છે કે, 57 વર્ષીય જ્હોન્સન કોઈપણ સમયે વડાપ્રધાન પદ છોડી શકે છે. ડાઉનિંગ સ્ટ્રીટમાં ડ્રિંક્સ પાર્ટીના ઘટસ્ફોટના પગલે જ્હોન્સન માત્ર વિપક્ષ તરફથી જ નહીં પરંતુ તેની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી પણ દબાણનો સામનો કરી રહ્યા છે. યુકેના પીએમ પર મે 2020માં દેશના પ્રથમ COVID-19 લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં દારૂની પાર્ટી કરવાનો આરોપ છે.
સુનકે જ્હોન્સનથી પોતાને દૂર રાખવાનું શરૂ કર્યું?
ઋષિ સુનક બુધવારે હાઉસ ઓફ કોમન્સની ચેમ્બરમાંથી ગુમ થયા હતા. આ પહેલાં પણ જ્હોન્સનને સુનકના કારણે લોકડાઉનની ગાઇડલાઇનના ઉલ્લંઘન માટે માફી માંગવી પડી હતી. ત્યારબાદ ઋષિ સુનકને આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેણે આ મુદ્દે ટ્વિટ કરીને અટકળોને રદ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુનકે લખ્યું હતું કે, ‘હું આજે આખો દિવસ ટૂર પર રહ્યો છું અને અમારા #PlanForJobs પર કામ કરવાનું ચાલુ રાખું છું. તેમજ ઊર્જાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સાંસદોને મળવાનો છું.’ ફેબ્રુઆરી 2020થી એક્સ્ચેકરના ચાન્સેલર સુનાકે કહ્યું કે, ‘વડાપ્રધાન માફી માંગવા માટે યોગ્ય હતા અને બ્રિટિશ સિવિલ સર્વન્ટ તેમની તપાસ ચલાવી રહી છે. ત્યારે હું ધીરજ રાખવાની તેમની વિનંતીને સમર્થન આપું છું.’
જ્હોન્સનની તપાસ ચાલી રહી છે, સુનક બ્રિટનના PM બની શકે છે
બ્રિટિશ મીડિયાએ આ મામલે કહ્યુ છે કે, જો બોરિસ પદ છોડે છે, તો ભારતીય ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના જમાઈ અને બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક તેમની જગ્યાએ દેશના પીએમ બની શકે છે. ‘બેટફેર’ના સેમ રોસબોટમે જણાવ્યું હતું કે, જ્હોન્સનના ઉપાડની સ્થિતિમાં ઋષિ સુનક વડાપ્રધાન બને તેવી સંભાવના છે. વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે હાલમાં ડાઉનિંગ સ્ટ્રીટ સહિત સરકારી ક્વાર્ટર્સમાં તમામ કથિત લોકડાઉન ઉલ્લંઘનોની તપાસ કરી રહી છે. તાજેતરના અઠવાડિયામાં સમાન ઘટનાઓ વિશે ઘણા ઘટસ્ફોટ થયા છે, જેને જ્હોન્સનને તેની ઓફિસના પરિસરમાં કામની ઘટનાઓ તરીકે ન્યાયી
ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.