બ્રિટનના નવા વડાંપ્રધાન લિઝ ટ્રસે ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ સુએલા બ્રેવરમેનને દેશના નવા ગૃહમંત્રી બનાવ્યા છે. સુએલા આ પહેલાં વડાંપ્રધાન પદની દાવેદારી પણ કરી ચુક્યા છે, પરંતુ તે ચૂંટણીના શરૂઆતી રાઉન્ડમાં જ બહાર થઈ ગયા હતા. 42 વર્ષનાં સુએલાની પાસે કેબિનેટ મંત્રી તરીકેને માત્ર બે જ વર્ષનો અનુભવ છે. તેમને પહેલી વખત પોતાના કરિયરમાં આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
સુએલા બ્રેવરમેન ફેયરહેમથી સાંસદ છે. આ પહેલાં તેઓ એટોર્ની જનરલ પદ પર હતા. તેમને વડાપ્રધાનની ચૂંટણીમાં ઋષિ સુનકની બદલે લિઝ ટ્રસને સમર્થન આપ્યું હતું, જે પછી અટકળો લગાડવામાં આવતી હતી કે આ વફાદારીનું ઈનામ તેમને મળી શકે છે. આ સંકેતને પગલે પ્રીતિ પટેલે સોમવારે લિઝ ટ્રસને બ્રિટનના નવા વડાંપ્રધાન ચૂંટાયા બાદના થોડાં કલાક પછી જ ગૃહ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ચૂંટણી દરમિયાન લીઝ ટ્રસનું સમર્થન કરતા બ્રેવરમેન કહ્યું હતું કે- લિઝ હવે વડાંપ્રધાન બનવા માટે તૈયાર છે. તેમને આ કામ શીખવાની જરૂર નથી. આ કામ મુશ્કેલ છે. પાર્ટીના છેલ્લાં છ વર્ષ ભારે મુશ્કેલીભર્યા રહ્યાં પરંતુ હવે સ્થિરતાની જરૂર છે.
બ્રિટનના નવા ગૃહ મંત્રી નિયુક્ત થયાં બાદ સુએલાએ ટ્વીટ કર્યું કે- ગૃહ મંત્રી નિયુક્ત થવા પર ઘણું જ સન્માનિત અનુભવ કરી રહી છું. ગૃહ મંત્રી તરીકે દેશની સેવા કરીશ. આ તક માટે લિઝ ટ્રસનો આભાર.
Incredibly honoured to be appointed by the Prime Minister to serve our country as Home Secretary.
Thank you for the opportunity @trussliz https://t.co/qwbWKECobI
— Suella Braverman MP (@SuellaBraverman) September 7, 2022
સુએલા બ્રેવરમેન આ પહેલાં શિક્ષણ ચૂંટણી સમિતિ રહી ચુક્યાં છે પરંતુ બાદમાં કોઈ કારણસર તેમને 2018માં રાજીનામું આપી દીધું હતું. ફેબ્રુઆરી 2020માં બોરિસ જોનસને તેમને એટોર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. બ્રેવરમેન બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલાં છે. તેઓ નિયમિત લંડન બૌદ્ધિસ્ટ સેન્ટર જાય છે. તેમને સંસદમાં શપથ પણ ભગવાન બુદ્ધના કથનો સાથે જોડાયેલાં ધમ્મપદ ગ્રંથ પર લીધા હતા.
BBCના રિપોર્ટ મુજબ બ્રેવરમેનને બ્રિટનમાં આશરો લેનારાઓને રવાન્ડા મોકલવાની સરકારી યોજના જેવાં કેટલાંક પ્રોજેક્ટની જવાબદારી સોંપાઈ હતી. જો કે આ યોજનાને ઘણાં કાયદાકીય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના બ્રેક્ઝિટના પણ સમર્થક રહ્યાં હતા.
સુએલા બ્રેવરમેનનો જન્મ અને અભ્યાસ
સુએલા બ્રેવરમેનનો જન્મ 3 એપ્રિલ, 1980નાં રોજ ગ્રેટર લંડનમાં થયો હતો. તેમનો ઉછેર વેમ્બલેમાં થયો. સુએલાના માતા-પિતા ક્રિસ્ટી અને ઉમા ફર્નાન્ડીઝ ભારતીય મૂળના છે. તેમની મા મોરેશિયસથી બ્રિટન આવીને વસ્યા હતા જ્યારે તેમના પિતા 1960ના દશકામાં કેન્યાથી માઈગ્રેટ થયા હતા. તેમની માનો જન્મ એક હિન્દુ તમિલ મોરેશિયસ પરિવારમાં થયો હતો અને વ્યવસાયે તેઓ નર્સ હતાં.
સુએલાનું સ્કૂલ એજ્યુકેશન લંડનના હીથફીલ્ડ સ્કૂલમાંથી થયું અને તે પછી તેમને કેમ્બ્રિજની ક્વીન્સ કોલેજમાંથી લૉનો અભ્યાસ કર્યો. તેમને Pantheon-Sorbonne Universityમાંથી માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી હતી.
મા પાસે રાજનીતિ મળી
રાજકીય કરિયર 2005માં શરૂ થયું હતું. તેમને લેસેસ્ટર ઈસ્ટથી સામાન્ય ચૂંટણી લડી હતી, જ્યાં તેઓ બીજા સ્થાને રહ્યાં હતા. તેઓ 2015માં ફેયરહેમથી કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી સાંસદ બન્યાં, તેઓ ત્યારથી સાંસદ છે.
બ્રેવરમેન જુલાઈમાં વડાંપ્રધાન ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન કહ્યું હતું- મારા માતા-પિતાને બ્રિટન સાથે પ્રેમ છે. આ દેશ આશા આપે છે. સુરક્ષા આપે છે. આ દેશ નવી નવી તક આપે છે. મને લાગે છે કે મારી પૃષ્ઠભૂમિના કારણે હું રાજનીતિને સારી રીતે સમજી શકું છું.
બ્રેવરમેનની માતાએ બાદમાં 2001માં કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી. તેમને 2003માં બ્રેન્ટ ઈસ્ટમાંથી પેટા ચૂંટણી પણ લડી હતી. સુએલાના લગ્ન ફેબ્રુઆરી 2018માં રોયલ બ્રેવરમેન સાથે થયા. તેમના બે બાળકો છે.