ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત માટે ગર્વની ક્ષણ, ‘સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ

Text To Speech

સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમારની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ કરાયું હતું. ભારતીય નૌકાદળ દ્વારા તેના અત્યાધુનિક ચોથા મિસાઈલ ડેસ્ટ્રોયર યુદ્ધજહાજના ક્રેસ્ટ(ચિહ્ન)ને ‘સુરત’ નામ આપી સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવામાં આવ્યું છે.

પ્રથમવાર યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ અપાયું

‘સુરત વોરશિપ ક્રેસ્ટ’ (ચિહ્ન)ના અનાવરણ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રોયર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજે ચોથા વોરશિપ તરીકે ‘સુરત’નું નામકરણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ છે. આ પ્રથમ એવી ઘટના છે, જેમાં કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું હોય.

મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રાચીન દરિયાઈ વ્યાપારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સુરત, લોથલ, ઘોઘા, ભરૂચ એક સમયે સમુદ્રી વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્રો હતા. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા. પ્રાચીન કાળમાં સુરતે દેશવિદેશમાં દરિયાઈ વ્યાપાર અને વ્યાપારી સંબંધો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. સુરતનો દરિયાઈ તટ પ્રાચીન કાળના ગૌરવશાળી દરિયાઈ વ્યાપારનો સાક્ષી છે અને આજે સુરત ભવિષ્યના આધુનિક ભારતના સૂર્યોદયનો પણ સાક્ષી બન્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતના મરીન કમાન્ડો અને કોસ્ટ ગાર્ડસ દરિયાઈ સીમાની સુરક્ષા માટે સતર્ક અને સજાગ છે. ભારતીય નૌસેનાને સુરક્ષાકીય ગતિવિધિઓમાં પીઠબળ આપવામાં ગુજરાતની પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે એમ જણાવી પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ડિફેન્સ સેકટરમાં મેન્યુફેક્ચરિંગમાં પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત વોરશિપ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતાના આપણા ઉદ્દેશ્યને વેગ આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Back to top button