ઓમાન, 29 જાન્યુઆરી : ભારતીય નૌસેનાએ ફરી એકવાર સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે. સમુદ્રી લુંટેરાઓ દ્વારા હાઇજેક કરવામાં આવેલા ઈરાની જહાજને મુક્ત કરાવ્યું છે. ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ માછીમારો અને 17 ક્રૂ સભ્યોને ચાંચિયાઓથી બચાવ્યા હતા. જાણકારી અનુસાર ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ અરબી સમુદ્રમાં કોચીથી 700 નોટિકલ માઈલ પશ્ચિમમાં સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવેલા લોકોને બચાવી લીધા છે. આ ઈરાની જહાજ એમવી ઈમાનમાં 17 ક્રૂ મેમ્બર હતા, જેનું દરિયાઈ ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું.
Swift response by #IndianNavy's Mission Deployed warship ensures safe release of hijacked vessel & crew.#INSSumitra, on #AntiPiracy ops along East coast of #Somalia & #GulfofAden, responded to a distress message regarding hijacking of an Iranian flagged Fishing Vessel (FV)… pic.twitter.com/AQTkcTJvQo
— SpokespersonNavy (@indiannavy) January 29, 2024
ભારતીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ ઘટનાનો ખુલાસો કરતા કહ્યું હતું કે, માહિતી મળતા જ ભારતીય નૌકાદળ એક્શનમાં આવી ગયું હતું. દેશના પૂર્વી કિનારે એટલે કે અરબી સમુદ્રની નજીક એડનની ખાડીમાં તૈનાત INS સુમિત્રાએ તરત જ જવાબ આપ્યો. ઈરાની માછીમારી જહાજ ઈમાનમાંથી ખતરાનો અલાર્મ વાગતાની સાથે જ એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો. સુમિત્રાએ તરત જ તેની ઝડપ વધારી અને તે ઈમાનને સોમાલીયન ચાંચિયાઓએ જ્યાં પકડી લીધું હતું ત્યાં પહોંચ્યું ત્યારે ક્રૂ મેમ્બર્સને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય નેવીએ તમામ 17 ક્રૂ મેમ્બર્સને બચાવ્યા હતા. સાથેજ, ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાંચિયા વિરોધી અને દરિયાઈ સુરક્ષા કામગીરીમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોની તૈનાતી દરિયામાં તમામ જહાજો અને ખલાસીઓની સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળના દ્રઢ સંકલ્પને દર્શાવે છે.
હુતી હુમલાઓ વચ્ચે ચાંચિયાઓએ કર્યું અપહરણ
આ મિશનએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં એન્ટી-પાયરસી અને દરિયાઈ સુરક્ષા અભિયાન પર ભારતીય નૌકાદળના જહાજોને તૈનાત કર્યા, જે દરિયામાં તમામ જહાજો અને ખલાસીઓની સલામતી અને સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળના સંકલ્પનું પ્રતીક છે. તાજેતરનો આ હુમલો લાલ સમુદ્ર અને અન્ય મહત્વપૂર્ણ વેપાર માર્ગો પર માલવાહક જહાજો અને ઈરાન સમર્થિત હુતી બળવાખોરો દ્વારા શ્રેણીબદ્ધ હુમલાઓની વચ્ચે થયો હતો.
વહાણમાં લાગેલી આગને બુઝાવી
આ પહેલા 27 જાન્યુઆરીએ MV MarlinLuanda જહાજમાં અદનની ખાડીમાં અચાનક આગ લાગી હતી. ક્રૂએ બધી આશા ગુમાવી દીધી હતી. પરંતુ અદનના અખાતમાં હાજર ભારતીય નૌસેનાએ કટોકટીની પરિસ્થિતિમાં એટલી ઝડપથી પ્રતિક્રિયા આપી કે જહાજમાં લાગેલી આગ ઓલવી હતી. અદનની ખાડીમાં અજાણ્યા મિસાઈલ હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી. વહાણના કેપ્ટને કહ્યું કે ‘મેં બધી આશા ગુમાવી દીધી હતી, ભારતીય નેવી દેવદૂતની બનીને આવી અને મિસાઈલનો ભોગ બનેલા જહાજના કેપ્ટને બચાવ માટે નેવીનો આભાર માન્યો હતો.
6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
ભારતીય નૌકાદળએ જણાવ્યું હતું કે 10 અગ્નિશમકોની ટીમે છ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની ફાયર ફાઇટીંગ ટીમે શનિવારે રાત્રે એડનની ખાડીમાં એક વેપારી જહાજ પર મિસાઇલ હુમલા બાદ લાગેલી વિશાળ આગને કાબૂમાં લીધી હતી. અદનની ખાડીમાં હાજર INS વિશાખાપટ્ટનમે વેપારી જહાજ માર્લિન લોન્ડાના SOS કોલનો જવાબ આપ્યો હતો. ઓઈલ ટેન્કરમાં 22 ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિક સવાર હતા.
આ પણ વાંચો :સ્પાઈસ જેટને મળ્યું જીવતદાન, 900 કરોડનું ફંડિંગ મળતાં શૅરના ભાવમાં પણ ઉછાળો