બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં સામેલ ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી શહઝાદનું મૃત્યુ થયું
ઈન્ડિયન મુજાહિદ્દીનના ઓપરેટિવ શહઝાદ અહેમદનું શનિવારે દિલ્હીના એઈમ્સમાં સારવાર દરમિયાન મોત થયું હતું. શહઝાદ અહેમદને 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જેલ અધિકારીના જણાવ્યા અનુસાર, શહઝાદને અન્ય અધિકારીઓ પર હુમલો કરવાનો પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
અરિઝ ખાનને પહેલા જ ફાંસીની સજા થઈ ચૂકી છે
જણાવી દઈએ કે બાટલા હાઉસ કેસમાં આતંકી અરિઝ ખાનને પહેલા જ ફાંસીની સજા થઈ ચૂકી છે. 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા બદલ દિલ્હીની સાકેત કોર્ટે માર્ચ 2021માં અરિઝ ખાનને મૃત્યુદંડની સજા ફટકારી હતી. સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ગુનો ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ની શ્રેણીમાં આવે છે અને તેના માટે મહત્તમ સજા યોગ્ય છે.
એન્કાઉન્ટરમાં ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા શહીદ થયા હતા
દક્ષિણ દિલ્હીના જામિયા નગરના બાટલા હાઉસમાં પોલીસ અને કથિત આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારી મોહન ચંદ શર્માનું મોત થયું હતું. આ પહેલા અહીં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 159 લોકો ઘાયલ થયા હતા.
એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી
શર્મા 19 સપ્ટેમ્બર, 2008 ના રોજ બાટલા હાઉસમાં આ બોમ્બ વિસ્ફોટોમાં સંડોવાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ તેમની આગેવાની હેઠળની સાત સભ્યોની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. એન્કાઉન્ટરમાં તેને ગોળી વાગી અને તેનું મોત થયું. તેમને મરણોત્તર અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા, જે શાંતિ સમયગાળાનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. બાટલા હાઉસ એન્કાઉન્ટરને દિલ્હીના મુખ્ય એન્કાઉન્ટરોમાંથી એક ગણવામાં આવે છે.