ભારતીય પ્રસારણ મંત્રાલયે પાકિસ્તાનની 6 અને ભારતની 10 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મુક્યો
નવી દિલ્હીઃ ભારતના પ્રસારણ મંત્રાલયે દેશમાં દુષ્પ્રચાર ફેલાવતી 6 પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને બ્લોક કરવાનો આદેશ કર્યો છે. આ સાથે ભારતમાંથી ચાલતી અન્ય 10 યુટ્યુબ ચેનલો પર પણ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ચેનલોના દર્શકોની સંખ્યા 68 કરોડની આસપાસ હતી. સરકારનું માનવું છે કે, આ ચેનલોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. આ સિવાય દેશની આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ચેનલ્સ પર યોગ્ય વાત કહેવામાં આવતી નથી. આ ચેનલો પર ભારતની વિદેશ બાબતો, સાંપ્રદાયિક સૌહાર્દ અને સામાજિક વ્યવસ્થા વિશે પણ ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી.
તંત્ર ખોરવાય તેવી શક્યતા હતીઃ મંત્રાલય
મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આમાંથી કોઈ પણ ચેનલે IT નિયમો, 2021 હેઠળ તેમના પ્રસારણ વિશે કેન્દ્ર સરકારને જાણ કરી ન હતી. મંત્રાલયે કહ્યું, ‘ભારતમાંથી ઓપરેટ થતી કેટલીક યુટ્યુબ ચેનલોમાં એક ચોક્કસ સમુદાયને આતંકવાદી તરીકે સંબોધવામાં આવી રહ્યો હતો. આનાથી અલગ-અલગ સમુદાયો વચ્ચે અણબનાવ થવાની ધમકી હતી. આવી સામગ્રી સમાજમાં ઉપદ્રવ અને દુર્ભાવનાની સ્થિતિ ઊભી કરી શકે છે. આ ઉપરાંત તંત્ર પણ ખોરવાઈ જવાની દહેશત હતી. આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
લોકડાઉનની પણ અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી
સરકારે કહ્યું કે, ‘ભારતમાંથી ઘણી ચેનલો ચાલી રહી છે, જેમાં કોઈપણ વેરિફિકેશન વગર સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. ખોટા વીડિયો બતાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે સમાજના વિવિધ વર્ગોમાં ભયનો માહોલ હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ફેક ન્યૂઝના કેટલાક ઉદાહરણો છે કે ઘણી વખત ખોટી માહિતી આપવામાં આવી છે કે સરકાર સમગ્ર ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન લાદવાનું વિચારી રહી છે. જેના કારણે પરપ્રાંતીય મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય કેટલાક ધર્મો વિશે પણ ખોટી માહિતી આપવામાં આવી હતી અને તેમના અનુયાયીઓ જોખમમાં હોવાનું કહેવાય છે. તેમના કારણે દેશની વ્યવસ્થા તૂટવાનો ભય હતો.’
પાકિસ્તાન તરફથી ભારત વિશે ફેક ન્યૂઝ આપવામાં આવી રહ્યા હતા
મંત્રાલયે કહ્યું કે, ‘પાકિસ્તાન સ્થિત ચેનલો દ્વારા વ્યવસ્થિત રીતે ભારત વિરુદ્ધ ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર, ભારતનું વિદેશ મંત્રાલય, યુક્રેનની સ્થિતિ જેવા મુદ્દાઓ પર સતત ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી હતી. આ ચેનલોની સામગ્રી સંપૂર્ણપણે ખોટી હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને દેશની અખંડિતતાના દૃષ્ટિકોણથી પણ તે યોગ્ય નથી.’