ભારતીય હવામાન વિભાગે ‘દાના’ વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી, જાણો ક્યા છે ભારે વરસાદનું એલર્ટ


- હવામાન વિભાગે માછીમારોને દરિયામાંથી પરત આવવાની સલાહ અપાઈ છે
- પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર વાવાઝોડામાં પલટાવાની આશંકા
- 23 ઓક્ટોબર સુધીમાં ‘દાના’ વાવાઝોડું આવી શકે છે
ભારતીય હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ‘દાના’ વાવાઝોડું આવી શકે છે, જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, અંદામાન અને નિકોબારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર વાવાઝોડામાં પલટાવાની આશંકા
હવામાન વિભાગે એક વિશેષ બુલેટિનમાં કહ્યું છે કે, આગામી 24 કલાકમાં આંદામાન સમુદ્રમાં ઉદભવેલું સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધશે તેમજ 22 ઓક્ટોબરની સવાર સુધીમાં દબાણમાં ફેરવાઈ જશે. ત્યારબાદ આ સિસ્ટમ 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર વાવાઝોડામાં પલટાવાની આશંકા છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયામાંથી પરત આવવાની સલાહ અપાઈ છે
આઈએમડીએ એમ પણ કહ્યું કે, હવામાન સિસ્ટમ વાવાઝોડામાં રૂપાંતરિત થયા બાદ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની તેમજ 24 ઓક્ટોબરની સવારે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તાર પાસે બંગાળની ખાડીની ઉત્તર-પશ્ચિમ તરફ પહોંચવાની પ્રબળ સંભાવના છે. આ સિસ્ટમના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાંથી પરત આવવાની સલાહ અપાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવત્, 51 તાલુકામાં પડ્યો વરસાદ