ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ભારતીય મેન્સ હોકી ટીમ જુનિયર એશિયા કપ-24 ની વિજેતા બનતા PM મોદીએ પાઠવ્યા અભિનંદન

મસ્કત, 5 ડિસેમ્બર : જ્યારે પણ ભારતનો મુકાબલો રમતના મેદાનમાં પાકિસ્તાન સામે થાય છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. જુનિયર એશિયા કપની ફાઈનલ મેચોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. ઓમાનની રાજધાની મસ્કતમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું અને જુનિયર એશિયા કપ 2024નું ટાઈટલ જીત્યું હતું. ભારત સતત ત્રીજી વખત જુનિયર એશિયા કપ જીતવામાં સફળ રહ્યું છે. આ પહેલા ભારતીય જુનિયર હોકી ટીમે વર્ષ 2015 અને વર્ષ 2023માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

જૂનિયર એશિયા કપ 2024 26 નવેમ્બરથી મસ્કતમાં શરૂ થયો હતો જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. ભારતે પૂલ Aમાં ટોચનું સ્થાન મેળવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે પાકિસ્તાને પૂલ Bમાં ટોચનું સ્થાન મેળવીને અંતિમ-4માં પ્રવેશ મેળવ્યો હતો. આ પછી પાકિસ્તાને જાપાનને 4-2થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે ભારતે મલેશિયાને 3-1થી હરાવીને ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર સ્પર્ધા હતી પરંતુ અંતે ભારતીય ટીમ 5-3થી ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

PM મોદીએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરૂષ જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે, “આપણા હોકી ચેમ્પિયન પર ગર્વ છે! ભારતીય હોકી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આપણી મેન્સ જુનિયર ટીમે જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેમની અજોડ કૌશલ્ય, તનતોડ મહેનત અને અવિશ્વસનીય ટીમ વર્કએ આ જીતએ રમતગમતના ગૌરવના ઇતિહાસમાં નામ નોંધાવી દીધું છે. યુવા ચેમ્પિયનને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

ફાઇનલમાં પાકિસ્તાનની સતત ચોથી હાર 

જુનિયર એશિયા કપની ફાઈનલ મેચમાં 20 વર્ષીય અરયજીત સિંહ હુંદલે ભારત માટે 4 ગોલ કર્યા હતા જ્યારે એક ગોલ દિલરાજની લાકડીમાંથી આવ્યો હતો.  પાકિસ્તાન તરફથી સુફયાન ખાને 2 અને હનાન શાહિદે 1 ગોલ કર્યો હતો.  આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનની આ સતત ચોથી હાર છે જ્યારે ભારત સામે આ સતત ત્રીજી હાર છે.  2012થી પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં હારી રહી છે.

ખંડીય ટૂર્નામેન્ટમાં ભારતનું આ પાંચમું ટાઈટલ છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ખિતાબ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ 2021 માં COVID-19 રોગચાળાને કારણે યોજાઈ ન હતી. હુન્દલે ચોથી, 18મી અને 54મી મિનિટમાં ત્રણ પેનલ્ટી કોર્નરને રૂપાંતરિત કર્યા અને 47મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો.

ભારત માટે બીજો ગોલ દિલરાજ સિંહે (19મી મિનિટે) કર્યો હતો. પાકિસ્તાન માટે સુફિયાન ખાને (30મી અને 39મી મિનિટે) બે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કર્યા જ્યારે હન્નાન શાહિદે ત્રીજી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો. અગાઉ જાપાને મલેશિયાને 2-1થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો :- અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો

Back to top button