પેરીસ ઓલિમ્પિક્સની 4×400 મીટર રેસ માટે ભારતીય પુરુષ અને મહિલા ટીમો ક્વોલીફાય થઇ
મે 6, બહામાસ: પેરીસ ઓલિમ્પિક્સમાં જનારી ભારતની એથલેટીક્સની ટીમ તરફથી એક ખુશ ખબર મળ્યા છે. ભારતની પુરુષ અને મહિલા એમ બંને ટીમો પેરીસ ઓલિમ્પિક્સની 4×400 મીટર રેસ માટે ક્વોલીફાય થઇ ગઈ છે. ગયા રવિવારે બહામાસમાં આ રેસ માટેની ક્વોલીફાયિંગ રેસ આયોજિત કરવામાં આવી હતી જેમાં આ પરિણામ સામે આવ્યું છે.
આ ક્વોલીફાયિંગ રેસમાં પુરુષોની ટીમમાં ભારતનું પ્રતિનિધિત્વ મુહમ્મદ અનસ, મુહમ્મદ અજમલ, અરોકીયા અને અમોજ જેકબે કર્યું હતું. આ ચારેય દોડવીરો દ્વારા આ રેસ તેમના સર્વશ્રેષ્ઠ સમય 3:03.23 મિનીટ્સમાં પૂર્ણ કરવાની સાથે જ પેરીસ ઓલિમ્પિક્સ માટે તેમનું આપોઆપ સિલેક્શન થઇ ગયું હતું.
આ રેસ અગાઉ ભારતની 4×400 મીટર રેસની મહિલા ટીમ જેમાં રૂપલ ચૌધરી, એમઆર પૂવમ્મા, જ્યોથીકા શ્રી દાંડી અને શુભા વેંકટેશન સામેલ હતા તેમણે પોતાના બીજા પ્રયાસમાં 3:29.35 મિનીટ્સનો સમય લઈને પેરીસ ઓલિમ્પિક્સ માટે ક્વોલીફાય કરી દીધું હતું. જો કે ભારતીય મહિલા ટીમ જમેકાની મહિલા ટીમ કરતાં પાછળ અને બ્રાઝિલ, જર્મની અને કોલમ્બિયાથી ટીમ કરતાં આગળ રહી હતી.
આ ક્વોલીફાયિંગ રેસ અગાઉ બુડાપેસ્ટમાં આયોજિત એક સ્પર્ધામાં ભારતીય પુરુષોની ટીમે સુંદર દેખાવ કર્યો હતો અને તેના કારણે આ રેસ અંગે અને ઓલિમ્પિક્સમાં ક્વોલીફાય થવા અંગેની આશાઓ વધી ગઈ હતી. જો કે ભારતીય ટીમના દોડવીર રાજેશ રમેશ બુડાપેસ્ટ રેસના બીજા લેગમાં ઘાયલ થયા હતા, આથી બહામાસમાં તેમના રમવા ઉપર પ્રશ્નાર્થ પણ લાગી ગયો હતો.
આ ઉપરાંત રાજેશ રમેશ પાસે ઇન્જરીમાંથી મુક્ત થવા માટે પણ પૂરતો સમય ન હતો તેમ છતાં રવિવારે તેમણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ભારતીય ટીમને ઓલિમ્પિક્સમાં ક્વોલીફાય કરવામાં મદદ કરી હતી.
જો મહિલા રેસની વાત કરવામાં આવે તો આ રેસમાં ક્વોલીફાય થવા માટે ફક્ત બે જ સ્થાન ખાલી હતા અને તેને માટે 5 દેશોની ટીમો રેસમાં ભાગમાં ભાગ લઇ રહ્યા હતા. આમ ભારત માટે ક્વોલીફાય થવું ઘણું અઘરું હતું. પરંતુ 19 વર્ષીય રૂપલને વિથ્યા રામરાજના સ્થાને ટીમમાં લેવામાં આવી હતી અને તેણે ટીમ ઈન્ડિયાને એક ફાસ્ટ શરૂઆત આપી હતી.
રેસ દરમ્યાન ટીમ ઈન્ડિયાને જર્મનીની ખેલાડીઓ પાસેથી જબરી સ્પર્ધા આપવામાં આવી હતી પરંતુ રૂપલ બાદ જ્યોથીકા, પછી પૂવમ્મા અને છેલ્લે શુભાએ જબરદસ્ત ચપળતા દેખાડીને રેસમાં બીજો નંબર મેળવ્યો હતો અને ટીમ ઈન્ડિયાને પેરીસ ઓલિમ્પિક્સની 4 x 400 મીટર રેસમાં ક્વોલિફિકેશન પાક્કું કરાવી દીધું હતું.