ગ્લોબલ માર્કેટની અસરના પગલે ભારતીય બજારમાં ઘટાડો, સેન્સેક્સ લગભગ 2 ટકા જેટલું તૂટી 59,417ની સપાટીએ ખુલ્યું, નિફ્ટી 17 હજાર ઉપર
US માર્કેટમાં ગઈકાલે ડાઉનફોલ જોવા મળ્યો હતો જેની અસરના ભાગરૂપે આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યાં છે. SGX Niftyમાં સવારના લેવલથી અંદાજ આવી ગયો હતો કે માર્કેટ નરમાશની સાથે રેડ ઝોનમાં જોવા મળશે અને એવું જ થયું. પ્રી ઓપનિંગમાં જ બજાર 2 ટકા તૂટી ગયું હતું.
આજે શેર બજારની શરૂઆતમાં BSEના 30 શેરવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 1,153.90 પોઈન્ટ એટલે કે લગભગ 1.91 ટકાના કડાકા સાથે 59,417 પર ખુલ્યું. જ્યારે NSEના 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 298.90 પોઈન્ટ એટલે કે લગભગ 1.65 ટકાના ઘટાડા સાથે 17,771 પર ખુલ્યું.
માર્કેટ ઓપનિંગ મિનિટમાં જોવા મળી રિકવરી
ઓપનિંગ મિનિટોમાં શેર બજારમાં સારી રિકવરી પણ જોવા મળી અ નીચલા સ્તરથી માર્કેટ ઉપર આવી રહ્યું છે. માર્કેટ ખુલ્યાંને 5 મિનિટમાં જ સેન્સેક્સ 658 પોઈન્ટ એટલે કે લગભગ 1.09 ટકા ઘટીને 59,912 પર આવી ગયું. જ્યારે નિફ્ટી 189 પોઈન્ટ ઘટીને 1.05 ટકા ઘટીને 17,880 પર આવી ગયું.
સેન્સેક્સના 30માંથી 5 શેરમાં તેજી તો 25 શેરમાં વેચવાલીનો માહોલ છે. નિફ્ટીમાં 50માંથી 10 શેરમાં લેવાલી જોવા મળી રહી છે, જ્યારે 40 શેર ઘટાડાની સાથે ટ્રેડિંગ કરી રહ્યાં છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં શેરની સ્થિતિ
આજે સેન્સેક્સમાં NTPC 2 ટકા, એશિયન પેઈન્ટ્સ 0.67 ટકા, નેસ્લે 0.36 ટકા અને SBI 0.26 ટકાના વધારા સાથે કારોબાર કરે છે. આ ઉપરાંત પાવરગ્રીડ 0.18 ટકા, ITC 0.15 ટકા અને ઈન્ડસાઈડ બેંક 0.12 ટકાના વધારા સાથે કારોબાર કરે છે.
જ્યારે આજના કારોબારમાં નિફ્ટીના શેરમાં ઈન્ફોસિસ 3.59 ટકા તૂટ્યો છે. ટેક મહિન્દ્રા 3.45 ટકા ઘટ્યો છે અને TCS 3.29 ટકાના ઘટાડા સાથે કારોબાર કરે છે. HCL ટેકમાં 2.60 ટકાની નરમાશ છે અને વિપ્રો 2.37 ટકા નીચે જોવા મળે છે. હિન્ડાલ્કોમાં 1.76 ટકા અને L&Tમાં 1.75 ટકાના ઘટાડો જોવા મળ્યો હતો.