ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત પાંચમી જીત

  • ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં તેની જીતનો સિલસિલો યથાવત રાખ્યો

હુલુનબુહર (ચીન), 14 સપ્ટેમ્બર: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં તેની જીતનો સિલસિલો જારી રાખ્યો છે. ભારતે આજે શનિવારે ચીનના હુલુનબુહર ખાતે રમાયેલી મેચમાં કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 2-1થી હરાવ્યું છે. ભારત માટે બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે (13મી મિનિટ અને 19મી મિનિટે) કર્યા હતા. બીજી તરફ પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ અહેમદ નદીમે (7મી મિનિટે) કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત પાંચમી જીત હતી. ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ હતી.

 

કેવો રહ્યો ભારત-પાકિસ્તાનનો મેચ?

મેચ દરમિયાન પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પાકિસ્તાને રમતની સાતમી મિનિટે લીડ મેળવી, જ્યારે હન્નાન શાહિદ ઝડપથી ભારતીય સર્કલમાં પહોંચી ગયો અને અહેમદ નદીમને પાસ આપ્યો. નદીમે ભારતીય ગોલકીપર ક્રિષ્ના બહાદુર પાઠકને ડોચ કરીને ગોલ કર્યો હતો. લગભગ 6 મિનિટ બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને બરાબરી કરી હતી. બીજો ક્વાર્ટર ભારતના નામે રહ્યો હતો, જેમાં હરમપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ કરવામાં સફળતા મેળવી હતી.

મેચના હાફ ટાઈમ સુધી ભારત 2-1થી આગળ રહ્યું હતું. ત્યારપછી ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને બરાબરી કરવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન તેને કેટલાક પેનલ્ટી કોર્નર પણ મળ્યા. પરંતુ ભારતીય ડિફેન્સે આ તકોને નિષ્ફળ બનાવી દીધી હતી. ભારતીય ટીમને આ ક્વાર્ટરમાં ગોલ કરવાની તકો પણ મળી હતી, પરંતુ તે ફાયદો ઉઠાવી શકી નહીં. આ પછી ચોથા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી.

ભારતની સતત પાંચમી જીત, પહેલેથી જ સેમીફાઈનલમાં છે

વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત પાંચમી જીત હતી. ભારતીય ટીમે અગાઉની મેચમાં કોરિયાને 3-1થી હરાવ્યું હતું. તે પહેલા ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા પણ ભારતીય હોકી ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.

તાજેતરના સમયમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો યથાવત છે. ગયા વર્ષે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. આ પહેલા ચેન્નાઈમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાન પર 4-0થી જીત મેળવી હતી. જકાર્તામાં 2022 એશિયા કપમાં, યુવા ભારતીય ટીમે પાકિસ્તાન સાથે 1-1થી ડ્રો મેચ રમ્યો હતો, જ્યારે 2021 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ સ્ટેજમાં તમામ ટીમોએ પાંચ-પાંચ મેચ રમવાની છે. સેમીફાઇનલ અને ફાઇનલ અનુક્રમે 16 અને 17 સપ્ટેમ્બરે રમાશે. ભારત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. ભારતે ગયા વર્ષે હોમ ગ્રાઉન્ડ પર ટાઈટલ જીત્યું હતું, જેનાથી તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ 4 ટાઈટલ જીતનારી ટીમ બની હતી. ભારતે આ મામલે પાકિસ્તાનને હરાવ્યું હતું, જેણે ત્રણ વખત ખિતાબ જીત્યો હતો. ભારત અને પાકિસ્તાન સિવાય માત્ર કોરિયાએ આ ટૂર્નામેન્ટ એક સમયે જીતી છે. કોરિયાએ 2021ની સિઝનમાં ટાઇટલ જીત્યું હતું.

ભારતીય હોકી ટીમની સ્કવોડ:

ગોલકીપર્સઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા
ડિફેન્ડર્સઃ જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત.
મિડફિલ્ડર્સઃ રાજ કુમાર પાલ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહીલ મૌસિન.
ફોરવર્ડઃ અભિષેક, સુખજીત સિંહ, અરિજીત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, ગુરજોત સિંહ.

આ પણ જૂઓ: Happy Birthday : આજે 2 ભારતીય ક્રિકેટરોના જન્મદિવસ, એક T20માં મચાવે છે તરખાટ

Back to top button