17 મે, વોર્સો: આજકાલ ભારતના ગ્રાન્ડ માસ્ટર આર પ્રગ્નનંધા નો એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં તે અસંખ્ય વિદેશી ચેસ ફેન્સ દ્વારા ઘેરાયેલો જોવા મળે છે. હવે આ વિડીયો ક્યાંનો છે અને તેની પાછળનું કારણ શું છે તે અંગે ખુલાસો થયો છે. તો ચાલો જાણીએ કે ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રગ્નનંધા પાછળ વિદેશીઓ કેમ આટલા પાગલ થયા છે.
વાત એવી છે કે હાલમાં જ પોલેન્ડના પાટનગર વોર્સોમાં સુપરબેટ રેપીડ એન્ડ બ્લિટ્ઝ ટુર્નામેન્ટ રમવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતના ગ્રાન્ડ માસ્ટર આર પ્રગ્નનંધા સહિત નંબર એક ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન પણ ભાગ લઇ રહ્યા હતા. આ ટુર્નામેન્ટ ગ્રાન્ડ ચેસ ટુરનો એક ભાગ હતી.
ટુર્નામેન્ટના અંતિમ દિવસે મેગ્નસ કાર્લસને 8/9નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે ચીનના વેઈ યીને નોંધપાત્ર કહી શકાય તેવી 2.5 પોઈન્ટ્સની લીડથી હરાવ્યો હતો. જો કે કાર્લસનનો દેખાવ અંતિમ નવ ગેમ્સમાં એટલો સારો રહ્યો ન હતો.
આ જ ટુર્નામેન્ટમાં ભારતના અનીશ ગિરિએ શરૂઆતની તકલીફો બાદ પોતાની ગેમને સુધારી હતી અને તેણે 14 પોઈન્ટ્સ સાથે આઠમું સ્થાન મેળવ્યું હતું. આજ રીતે એરીગેઈસી અર્જુને 18 પોઈન્ટ્સ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું. ભારતના અન્ય ચેસ પ્લેયર ડી ગુકેશનો દેખાવ સારો રહ્યો ન હતો અને તે આ ટુર્નામેન્ટની બહાર થઇ ગયો હતો.
આર પ્રગ્નનંધા એ 19 પોઈન્ટ્સ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ આ ટુર્નામેન્ટને જોવા માટે આવેલા દર્શકો માટે તમામ ચેસ પ્લેયર્સનું એક ઓટોગ્રાફ સેશન આયોજિત કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જ્યારે પ્રગ્નનંધા એ પોતાના ઓટોગ્રાફસ આપ્યા હતા તેનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો ઉપરોક્ત ટુર્નામેન્ટના આયોજક ગ્રાંડ ચેસ ટુર દ્વારા જ રિલીઝ કરવામાં આવ્યો છે. આ વિડીયોને ગ્રાંડ ચેસ ટુર દ્વારા ‘પ્રગ્નનંધા ની ઓટોગ્રાફ મેરેથોન’ તરીકે ટાઈટલ આપવામાં આવ્યું છે જે ઘણું સૂચક છે. કારણકે આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે ભારતનો સહુથી નાની ઉંમરનો ગ્રાન્ડ માસ્ટર મુખ્ય હોલમાં એન્ટર થાય તે પહેલાથી જ તેના ફેન્સ દ્વારા રોકવામાં આવી રહ્યો છે.
Praggnanandhaa’s autograph marathon in Poland🖋️✨! #ChessSuperstar #superbetrapidblitzpoland #grandchesstour pic.twitter.com/JhWVIlewzP
— Grand Chess Tour (@GrandChessTour) May 10, 2024
અહીં તે બે ફેન્સને ઓટોગ્રાફ આપે છે. ત્યારબાદ જ્યાં મુખ્ય હોલ છે ત્યાં અસંખ્ય ચેસ ફેન્સ તેને ઘેરી વળે છે જેમાં એક નાનકડી બાળકી પણ છે. પ્રગ્નનંધા ને પણ આ લોકોને ઓટોગ્રાફ આપવામાં જરાય તકલીફ પડતી નથી તેટલી શિસ્ત વોર્સોના ચેસ ફેન્સ દેખાડી રહ્યા છે.
ખરેખર, આ રીતે કોઈ ભારતીય ચેસ ખેલાડીનો ઓટોગ્રાફ લેવા માટે પડાપડી થાય અને તે પણ વિદેશમાં તે કોઇપણ ભારતીય માટે ગર્વની ક્ષણ કહી શકાય.