

ચીન, જાપાન સહિત વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી ભારત સરકાર પણ એક્શનમાં છે. ભારતે 6 દેશોના ટ્રાન્ઝિટ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. તે મુજબ હવે ચીન, સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના પરિવહન મુસાફરો માટે બોર્ડિંગના 72 કલાક પહેલા કોવિડ RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો ફરજિયાત રહેશે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચીન, સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર મુસાફરો માટે પ્રી-બોર્ડિંગ RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. આ નિયમ પરિવહન મુસાફરોને પણ લાગુ પડશે.
ચીનમાં સંક્રમણમાં વધારો, ભારતમાં તકેદારી
20 ડિસેમ્બર સુધીમાં, ચીનમાં લગભગ 20 ટકા વસ્તી કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. ચીનમાં મહામારી વચ્ચે ભીડભાડવાળી હોસ્પિટલો અને શબઘરમાં મૃતદેહોના ઢગલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કેન્દ્રની રાજ્ય સરકારોને સૂચના આપી
ભારતમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા ઓછી છે. ડિસેમ્બરમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પહેલા, કેન્દ્રએ રાજ્યોને યાદ અપાવ્યું હતું કે તેઓ ભીડવાળા સ્થળોએ માસ્ક પહેરવાનું સુનિશ્ચિત કરે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરે. કેન્દ્ર સરકારે મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.