ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભારતના મહાન ફૂટબોલર સુનીલ છેત્રીએ નિવૃત્તિ જાહેર કરી; કુવૈત સામે રમશે અંતિમ મેચ

16 મે, નવી દિલ્હી: ભારતના મહાન ફૂટબોલર સુનીલ છેત્રીએ પોતે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્ત થઇ રહ્યો છે તેવી જાહેરાત હમણાં થોડા સમય અગાઉ જ કરી છે. છેત્રીના જણાવ્યા અનુસાર 6 જૂનના દિવસે કુવૈત સામે FIFA વર્લ્ડ કપની ક્વોલિફિકેશન મેચ તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ બની રહેશે.

છેત્રીએ પોતાની નિવૃત્તિની જાહેરાત સોશિયલ મીડિયા ઉપર કરી છે. ભારત માટે છેત્રી 145 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે અને 20 વર્ષ લાંબી પોતાની કારકિર્દીમાં તેણે 93 ગોલ કર્યા છે.

પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા સુનીલ છેત્રીએ કહ્યું હતું કે, ‘એક દિવસ એવો નથી વીત્યો જ્યારે હું પહેલીવાર મારા દેશ માટે મારા સાથી ખેલાડીઓ સાથે રમવા ઉતર્યો હતો તેને હું યાદ ન કરતો હોઉં. પરંતુ, એ મેચના એક દિવસ અગાઉ મારી નેશનલ ટીમના કોચ સુખી સરે સવારે મને આવીને કહ્યું હતું કે આવતીકાલની મેચમાં તું રમી રહ્યો છે. તે પળ મારા માટે સહુથી યાદગાર બની રહેશે.

હું એ દિવસની લાગણી વ્યક્ત કરી શકું તેમ નથી. મેં મારી ઇન્ડિયા જર્સી પર પરફ્યુમ લગાવ્યું હતું, મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું. તે દિવસે મારી સાથે બધું જ સારું બનવા લાગ્યું હતું, સવારના નાસ્તાથી માંડીને લંચ અને પછી મેચ સુધી. મેં મારી પહેલી જ મેચમાં 80મી મિનીટમાં ગોલ કર્યો હતો. એ દિવસ મારી સમગ્ર કેરિયરનો સહુથી યાદગાર દિવસ બની ગયો છે.’

સુનીલ છેત્રીના કહેવા અનુસાર તે છેલ્લા 19 વર્ષથી પોતાના દેશ માટે અત્યંત ઉત્સાહ અને આનંદથી રમ્યો છે અને આ રીતે તેણે ઘણી બધી મેચો પણ રમી છે. પરંતુ છેલ્લા એકથી દોઢ કે પછી બે મહિનાથી મને બહુ વિચિત્ર લાગતું હતું. કદાચ તેને કારણે જ હું આ નિર્ણય પર પહોંચી શક્યો છું કે આ મેચ, એટલેકે આવનારી મેચ, મારા આંતરરાષ્ટ્રીય ખેલ જીવનની અંતિમ મેચ હશે.

સુનીલ છેત્રીએ પોતાની તમામ મેચોને, પોતાના અત્યારસુધીના તમામ સાથી ખેલાડીઓને તેમજ વિવિધ કોચને યાદ કર્યા હતા. પોતાની નિવૃત્તિનો નિર્ણય તેણે સહુથી પહેલાં પોતાના માતાપિતા અને પત્નીને કરી હતી. તેનું કહેવું હતું કે તેના પિતા તો આ સાંભળીને મક્કમ રહ્યા હતા પરંતુ તેની માતા અને પત્ની આ નિર્ણય સાંભળીને રડવા લાગ્યા હતા.

સુનીલ છેત્રીનું કહેવું છે કે એવું નથી કે તેને થાક લાગ્યો છે પણ તેના મનમાંથી એ અવાજ આવ્યો છે કે આવનારી મેચ તેની છેલ્લી મેચ હશે.

Back to top button