ભારતીય ફૂટબૉલના હીરો રાજકીય મેદાનમાં વધુ એક વખત પરાસ્ત
- 2014થી શરૂ કરેલી રાજકીય કારકિર્દીમાં ફૂટબૉલર વાઈચુંગ ભૂટિયા છ વખત ચૂંટણી હારી ગયા
- બંગાળમાં રાજકીય કારકિર્દી સફળ ન થતાં સિક્કિમ પરત આવ્યા, અહીં પણ હારનો જ સામનો થયો
ગંગટોક, 2 જૂનઃ રમતના મેદાનના જાદુગર, ફૂટબૉલના હીરો અને ભારતીય ફૂટબૉલ ટીમના એક સમયના કેપ્ટન વાઈચુંગ ભૂટિયા રાજકીય મેદાનમાં વધુ એક વખત પરાસ્ત થયા છે. સિક્કિમમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભૂટિયાની હાર થઈ છે. સિક્કિમમાં વિધાનસભા પરિણામની અંતિમ સ્થિતિ અનુસાર ભૂટિયા તેમની બારફુંગ બેઠક ઉપર હરીફ ઉમેદવાર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના રિક્શલ દોરજી સામે 4,346 મતથી હારી ગયા છે.
આજે બીજી જૂને જાહેર થયેલા સિક્કિમ વિધાનસભાનાં પરિણામ સૌના માટે આશ્ચર્યજનક અને ચોંકાવનારા રહ્યા છે. રાજ્યમાં સત્તાધારી પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ)એ રાજ્ય વિધાનસભાની 32માંથી 31 બેઠકો બેઠકો ઉપર જીત મેળવી છે. આ એક તરફી ક્લિનસ્વીપ પરિણામોમાં વિપક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને માત્ર એક જ બેઠક મળી છે. સિક્કિમ વિધાનસભા માટે લોકસભા ચૂંટણીની સાથે પહેલા તબક્કામાં 19 એપ્રિલ, 2024ના રોજ મતદાન થયું હતું.
જોકે, મહાન ફૂટબૉલ ખેલાડી વાઈચુંગ ભૂટિયા વધુ એક વખત ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે. ભૂટિયાએ 2018માં હમરો સિક્કિમ પાર્ટી નામે પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો હતો, પરંતુ ત્યારબાદ ગયા વર્ષે 2023માં તેમના પક્ષની એસડીએફ પક્ષ સાથે વિલિનીકરણ કરી દીધું હતું. હાલ તેઓ એસડીએફ પક્ષના ઉપાધ્યક્ષ છે. સિક્કિમમાં એસડીએફ મુખ્ય વિપક્ષ છે, પરંતુ આ વખતના પરિણામમાં ભૂટિયાના પક્ષને માત્ર એક જ બેઠક મળી છે.
વાસ્તવમાં વાઈચુંગ ભૂટિયા પશ્ચિમ બંગાળમાં બે વખત તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. તે 2014માં દાર્જિલિંગમાં લોકસભાના ઉમેદવાર હતા અને 2016માં સિલીગુડીથી વિધાનસભાના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું. અલબત્ત, એ બંને ચૂંટણીમાં ભૂટિયા હારી ગયા હતા. ત્યારપછી તે સિક્કિમ પરત આવી ગયા. સિક્કિમમાં તેમણે 2019માં બે બેઠક – ગંગટોક અને તુમેન-લિંગી પરથી ઉમેદવારી કરી, પરંતુ બંને બેઠક ઉપર હારી ગયા. આ પછી 2019ની પેટા-ચૂંટણીમાં પણ વાઈચુંગભાઈને હાર મળી હતી. આમ કુલ મળી છેલ્લા દસ વર્ષમાં ફૂટબૉલ મેદાનના આ સફળ ખેલાડી રાજકીય મેદાનમાં છઠ્ઠી વખત હારી ગયા છે.
આ પણ વાંચોઃ ચીની ખેલાડીને હરાવી બોક્સર અમિત પંઘલ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય થયો