24 મે, એન્ટવર્પ: ભારતીય ફિલ્ડ હોકી ટીમના સ્ટાર ખેલાડી જરમનપ્રીત સિંઘે ભારતીય ટીમ માટે 100 મેચો રમી છે. આ સિદ્ધિ બદલ હોકી ઇન્ડિયાએ જરમનપ્રીતને અભિનંદન પાઠવાયા છે. જરમનપ્રીતે આ સિદ્ધિ FIH હોકી પ્રો લીગ 2023/24ના યુરોપીયન સત્રમાં એન્ટવર્પ ખાતે મેળવી છે. ભારતે આ મેચ બેલ્જીયમ સામે રમી હતી.
જરમનપ્રીત સિંઘ પંજાબનો છે અને તેણે પોતાની હોકી દ્વારા પોતાના રાજ્ય અને દેશનું નામ વારંવાર રોશન કર્યું છે. જરમનપ્રીત ડીફેન્ડર છે અને તેણે 2018માં ભારત તરફથી ડેબ્યુ કર્યું હતું. તે વખતે ભારતે બ્રેડા ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લીધો હતો અને બીજું સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત જરમનપ્રીત સીઘે ભારત વતી 2018માં મસ્કત, ઓમાન ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ પણ જીત્યો હતો.
27 વર્ષીય જરમનપ્રીત સિંઘે 2021માં ઢાકા બાંગ્લાદેશ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લીધો હતો જેમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું હતું અને 2022માં ભારતે બર્મિંગહામ ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ ઉપરાંત જરમનપ્રીતે 2023માં ભુવનેશ્વર ખાતે રમાયેલી FIH વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને FIH હોકી પ્રો લીગ 2022/23માં જ્યારે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે પણ તે ટીમનો ભાગ હતો. તે 2023માં ચીનના હોન્ગઝુ ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનો હિસ્સો રહ્યો હતો અને ટીમે અહીં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જ્યારે હાલની આ સિદ્ધિ વિશે તેને પૂછવામાં આવ્યું ત્યારે જરમનપ્રીતે કહ્યું હતું કે, ‘દેશ માટે 100 મેચો રમવી એ મારા માટે ગૌરવની વાત છે. હું એ બાબતે પણ નસીબદાર છું કે મને મારા પરિવારનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે. મારા મિત્રોએ મને કાયમ સમર્થન આપ્યું છે. મારી કોઇપણ તકલીફ સમયે ટીમનો સપોર્ટ સદાય મારી સાથે રહ્યો છે. કઠીન મહેનત એક વાત છે પરંતુ કઠીન મહેનત સાથે લોકોનું સમર્થન મેળવવું અને તેમની મદદ મળવી એ મોટી વાત છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે સતત મને ટેકો આપ્યો છે, મારી મદદ કરી છે અને મારી સાથે રહ્યા છે. આ તમામ લોકોને કારણે જ હું આજે પણ આ સુંદર રમત રમી રહ્યો છું.