વર્ષ 2022માં નોબેલ પુરસ્કાર જીતવા માટે નામાંકિત કરાયેલા લોકોમાં ભારતીય ફેક્ટ-ચેકર્સ મોહમ્મદ ઝૂબૈર અને પ્રતિક સિન્હાનો સમાવેશ થાય છે. Altnewsના સહ-સ્થાપક પ્રતિક સિન્હા અને મોહમ્મદ ઝુબૈર નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરાયેલા લોકોમાં સામેલ છે. જેમાં એક અમદાવાદી દાવેદાર છે. પ્રતિક સિન્હા ગુજરાતમાં અમદાવાદના વતની છે.
પ્રતિક સિન્હા અમદાવાદના છે. તેમના પિતા મુકુલ સિન્હા વૈજ્ઞાનિક તરીકેની ફીઝીકલ રીસર્ચ લેબોરેટરીની નોકરી છોડી શરૂઆતમાં લેબર લો અને પછી માનવ અધિકાર વતી લડતા રાજ્યના ટોચના એડવોકેટ બન્યા હતા. મુકુલ સિન્હાના પુત્ર પ્રતિક વ્યવસાયે કોમ્પ્યૂટર એન્જીનીયર અને આઈટી કંપનીમાં મોટો પગાર આપતી નોકરી છોડી અમદાવાદ ફરી સ્થાયી થયા હતા. પિતાની માંદગીના સમયે પ્રતિકે પિતાના કદમ ઉપર ચાલવાનું નક્કી કરી શરૂઆતમાં મોદી સરકારની કામગીરી ઉપર ટ્રુથ ઓફ ગુજરાતના નામે બ્લોગ લખવાનું અને પછી ઓલ્ટ ન્યૂઝની સ્થાપના કરી હતી.
આ નોમિનેશન નોર્વેની સંસદ અને ઓસ્લોની પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (PRIO) દ્વારા કરવામાં આવ્યું છે. ઝૂબૈરની આ વર્ષે જૂનમાં વર્ષ 2018ના એક ટ્વિટ માટે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની એફઆઈઆર પ્રમાણે આ ટ્વીટ ખૂબ જ ઉશ્કેરણીજનક હતું અને બે ધર્મો વચ્ચે નફરત ઉશ્કેરનારું હતું. પરંતુ ઝૂબૈરની ધરપકડની વિશ્વભરમાં નિંદા થઈ હતી. ત્યારબાદ પત્રકારોની સુરક્ષા માટે એક બિન-સરકારી સમિતિએ કહ્યું કે ભારતમાં પ્રેસ સ્વતંત્રતા માટે આ એક નવો બગાડ છે, જ્યાં સરકાર સાંપ્રદાયિક બાબતો પર રિપોર્ટિંગ કરતા પત્રકારો માટે પ્રતિકૂળ અને અસુરક્ષિત વાતાવરણ બનાવી રહી છે. ઝૂબૈર એક મહિના પછી તિહાર જેલમાંથી પાછો ફર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
વર્ષ 2022 માટે શાંતિ માટે નોબેલ પુરસ્કારોની દોડમાં 343 ઉમેદવાર છે. તેમાંથી 251 વ્યક્તિ છે અને 92 સંસ્થાન છે. જોકે નોબેલ પુરસ્કાર કમિટિ નામાંકિત વ્યક્તિઓના નામ જાહેર નથી કરતી, ન તો મીડિયા, ન તો ઉમેદવારો તેનાથી વાકેફ હોય છે પરંતુ એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, બેલારુસના વિપક્ષી નેતા સ્વિતલાના, પ્રસારણકર્તા ડેવિડ એટનબર્ગ, ક્લાયમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોપ ફ્રાન્સિસ, તુવાલુના વિદેશ મંત્રી સિમોન કોફે અને મ્યાનમારની નેશનલ યુનિટિ સરકારને નોર્વેના ધારાસભ્યો દ્વારા ચૂંટવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મિસ્ટર સિન્હા અને ઝૂબૈર ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, સંયુક્ત રાષ્ટ્રની રિફ્યુઝી એજન્સી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને રશિયામાં વ્લાદિમીર પુતિનના ટિકાકાર અને વિરોધી નેતા એલેક્સી નાવેલનીનું પણ શાંતિ પુરસ્કાર માટે નામાંકન કરવામાં આવ્યું છે. વર્ષ 2022ના નોબેલ શાંતિ પુરસ્કારોની ઘોષણા ઓસ્લોમાં 7 ઓક્ટોબરના રોજ સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:00 વાગ્યે કરવામાં આવશે.