Chat GPT બનાવનારી કંપની પર પ્રશ્નો ઉઠાવનાર ભારતીય એન્જિનિયરનો ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ!
- એન્જિનિયર લાંબા સમયથી તેમના ઘરની બહાર નીકળ્યા ન હતા અને તેમના મિત્રો-સહકાર્યકરોના ફોન કોલ્સનો પણ જવાબ આપતા ન હતા
સાન ફ્રાન્સિસ્કો, 14 ડિસેમ્બર: ChatGPT બનાવનારી અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના 26 વર્ષીય ભૂતપૂર્વ રિસર્ચર સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુચિરે તાજેતરમાં OpenAIની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 નવેમ્બરે બની હતી અને 14 ડિસેમ્બરે બહાર આવી છે.
— Elon Musk (@elonmusk) December 14, 2024
પોલીસને ફ્લેટમાંથી મળી આવ્યો મૃતદેહ
અહેવાલો મુજબ, સુચિર બાલાજી લાંબા સમયથી તેમના ઘરની બહાર નીકળ્યા ન હતા, અને તેમના મિત્રો અને સહકાર્યકરોના ફોન કોલ્સનો પણ જવાબ આપતા ન હતા. જ્યારે સુચિરના મિત્રો અને સાથીદારો તેના ફ્લેટ પર પહોંચ્યા તો તેમને દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો. તેણે આ અંગે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી હતી. પોલીસે ફ્લેટનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે સુચિર બાલાજીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં કોઈ ગરબડીના પુરાવા મળ્યા નથી, પોલીસને શંકા છે કે તે આત્મહત્યા હોઈ શકે છે.
પોલીસે આ મામલે શું કહ્યું?
સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલે પોલીસના નિવેદનને ટાંકીને કહ્યું કે, ‘પોલીસ અધિકારીઓ મેડિકલ ટીમ સાથે ફ્લેટ પર પહોંચ્યા અને સુચિર બાલાજી મૃત હાલતમાં મળ્યા. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ ગેરરીતિના પુરાવા મળ્યા નથી અને તે આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. સાન ફ્રાન્સિસ્કો ચીફ મેડિકલ એક્ઝામિનર ઓફિસના ડિરેક્ટરે મીડિયાને કહ્યું કે, ‘મૃત્યુની રીત આત્મહત્યા હોવાનું માનવામાં આવે છે.’ સુચિર બાલાજીએ આ વર્ષે ઓગસ્ટમાં OpenAIમાંથી રાજીનામું આપી દીધું હતું અને કંપની પર કોપીરાઈટ ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના મૃત્યુની માહિતી બહાર આવ્યા બાદ ઘણી મોટી હસ્તીઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને ઇન્ટરનેટ પર તેના વિશે કડક પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.
ઈલોન મસ્કે આશ્ચર્ય વ્યક્ત કર્યું
ટેસ્લાના CEO ઈલોન મસ્કએ ‘Hmmm’ સાથે અહેવાળ પર પ્રતિક્રિયા આપી, અને બીજું કંઈ લખ્યું નહીં. સુચિર બાલાજીએ જાહેરમાં OpenAI પર તેના જનરેટિવ AI પ્રોગ્રામ, ChatGPTને તાલીમ આપવા માટે યોગ્ય કાનૂની પ્રક્રિયાને અનુસર્યા વિના કૉપિરાઇટ મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ChatGPT જેવી ટેક્નોલોજી ઇન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં, સુચિર બાલાજીએ આરોપ મૂક્યો હતો કે, OpenAIની પ્રેક્ટિસ ઈન્ટરનેટ ઈકોસિસ્ટમ અને તે બિઝનેસ અને લોકો માટે હાનિકારક છે જેમના ડેટાનો કંપની તેમની સંમતિ વિના ઉપયોગ કરી રહી છે. સુચિર બાલાજીના આરોપો ઘણા લેખકો, પ્રોગ્રામરો અને પત્રકારો દ્વારા OpenAI સામે દાખલ કરાયેલા દાવાઓના કેન્દ્રમાં છે. આ લોકોએ દાવો કર્યો છે કે, OpenAIએ તેના ChatGPTને તાલીમ આપવા માટે તેમના કોપીરાઈટ કરેલા કાર્યોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે.