અરવલ્લી જિલ્લામાં “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” યોજાઈ
- મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં ૨૫૦ પરીક્ષા કેન્દ્રો પર ૧૫૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
અરવલ્લી, 22 સપ્ટેમ્બર, 2024: નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર જળવાઈ રહે તે માટે વિવિધ સંસ્થા, સંગઠન દ્વારા વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવે છે. ગાયત્રી પરિવાર આ દિશામાં સૌથી અગ્રીમ હરોળમાં આવે છે. ગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચિંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે. વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે.
ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ, હરિદ્વાર દ્વારા વર્ષ ૨૦૦૧ થી ભારતભરમાં ૨૨ રાજ્યોમાં કુલ ૧૧ અલગ અલગ ભાષાઓમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચ થી કૉલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ન રહે.
આ અભ્યાસક્રમ સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થાય છે. આ પરીક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિઃશુલ્ક સેવા સહકાર આપી રહ્યા છે.
૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪, શનિવારે આ પરીક્ષા આયોજન થયું. જેમાં મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ૨૫૦ સેન્ટરો પર આ પરીક્ષા લેવાઈ. જેમાં પંદર હજાર વિદ્યાર્થીઓ સહભાગી બન્યા.
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશમાં હિંદુઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન, વક્ફ બોર્ડને નાબૂદ કરવાની માંગણી