અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કાવતરા બદલ ભારતીય નાગરિકની ધરપકડ
- શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંતસિંહ પન્નુએ પંજાબ રાજ્યને અલગ કરવાનો હિમાયતી
- ભારતીય નાગરિક જો દોષિત સાબિત થશે તો 20 વર્ષ સુધીને સજા થઈ શકે છે
- ભારતીય એજન્સીએ નિખિલ ગુપ્તાને પન્નુની હત્યાની સોપારી આપી હોવાનો USનો દાવા
નવી દિલ્હી, 30 નવેમ્બર : ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ અમેરિકાએ એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. યુએસ એટર્ની ઓફિસે બુધવારે જણાવ્યું હતું કે, “નિખિલ ગુપ્તા નામના વ્યક્તિની જુનમાં ચેક રિપબ્લિકના સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે પ્રત્યાર્પણની રાહ જોઈ રહ્યો છે.” પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, “પન્નુ ભારત સરકારનો એક ટીકાકાર છે, તે યુ.એસ.માં રહીને એક સંગઠનનું નેતૃત્વ કરે છે જે ભારતના પંજાબ રાજ્યને અલગ કરવાની હિમાયત કરે છે.” ભારતીય નાગરિક પર જો ગુનો સાબિત થશે તો 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડાની નાગરિકતા રહેલી છે. જ્યારે ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે. USએ દાવો કર્યો છે કે, નિખિલ ગુપ્તાને ભારતીય એજન્સીએ ગુરપતવંતસિંઘ પન્નુની હત્યાની સોપારી આપી હતી. US તપાસ એજન્સીએ આ નિખિલ ગુપ્તા અને ભારત તેમજ ગુજરાત પોલીસ સાથે થયેલી વાતચીતના વોઈસ એવિડન્સ સાથે તહોતમ જાહેર કર્યુ છે.
US એટર્ની ઓફિસ દ્વારા શું જણાવવામાં આવ્યું ?
USના એટર્ની ડેમિયન વિલિયમ્સે જણાવ્યું કે, “આરોપ મુજબ, આ ભારતીય નાગરિકે ન્યુયોર્ક સિટીમાં ભારતીય મૂળના એક યુએસ નાગરિક અને સાર્વજનિક રીતે શીખો માટે સાર્વભૌમ રાજ્યની સ્થાપનાની હિમાયત કરનારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હું આભારી છું કે મારી ઓફિસ અને અમારા કાયદા અમલીકરણ ભાગીદારોએ આ જીવલેણ અને અત્યાચારી ખતરાને તટસ્થ કર્યું. અમે યુ.એસ.ની ધરતી પર અમેરિકી નાગરિકોની હત્યાના પ્રયાસોને સહન નહીં કરીએ અને વિદેશમાં પણ અમેરિકનોને નુકસાન પહોંચાડવા અને મૌન કરવાનો પ્રયાસ કરનાર કોઈપણની તપાસ, નિષ્ફળતા અને કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.
યુએસ એટર્ની ઓફિસે જણાવ્યું હતું કે, ભારતનું પંજાબ શીખોનો ગઢ છે. પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ (SFJ) પર ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.” ગયા અઠવાડિયે, બિડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે યુએસ અધિકારીઓએ અમેરિકન ધરતી પર એક શીખ અલગતાવાદીની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો અને ભારત સરકારની સંડોવણીની ચિંતાઓ અંગે ભારતને ચેતવણી આપી હતી. અધિકારીએ કહ્યું હતું કે, “પન્નુ આ ષડયંત્રનું નિશાન હતું.”
ભારતીય નાગરિકને 20 વર્ષ સુધીની થઈ શકે છે સજા
નિખિલ ગુપ્તા જો દોષી સાબિત થાય તો તેને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેના પર આરોપ છે કે, ગુપ્તાએ હત્યા માટે 100,000 ડોલર ચૂકવવાનું વચન આપ્યું હતું. તેમાંથી 15 હજાર ડોલરની એડવાન્સ પેમેન્ટ 9 જૂન 2023ના રોજ આપવામાં આવી હતી. પરંતુ, આ કામ માટે જે વ્યક્તિને રાખવામાં આવ્યો હતો તે અમેરિકન એજન્સીનો ગુપ્તચર એજન્ટ હતો.
ઉલ્લેખનીય છે કે, નિખિલ ગુપ્તાને ચેક પ્રશાસન દ્વારા 30 જૂન 2023ના રોજ પકડી પાડવામાં આવ્યો હતો. તેણે આ કામ અમેરિકા સાથેની દ્વિપક્ષીય સંધિ હેઠળ કર્યું હતું. ગુપ્તાને અમેરિકાને ક્યારે સોંપવામાં આવશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. ત્યારે બીજી બાજુ ભારત સરકાર પણ આ મામલે એલર્ટ મોડમાં છે. ભારતે 18 નવેમ્બરે જ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી, જે આ મામલાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
કોણ છે હેનરી ગુપ્તા ?
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 52 વર્ષીય નિખિલ ગુપ્તા ભારતીય નાગરિક છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી, જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1(ગ્રુપ) તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે સીસી-1 નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે ભારતમાં અને અન્ય સ્થળોએ અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવા માટે કામ કરી રહ્યું હતું.
આ પણ જુઓ :US કંપની AMD એ બેંગ્લોરમાં શરૂ કર્યું સૌથી મોટું વૈશ્વિક ડિઝાઇન સેન્ટર, 3 હજાર નોકરીઓ આપશે