ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

દેશમાં વાહનોના વેચાણમાં ઑક્ટોબર, 2023માં રેકોર્ડ વૃદ્ધિ નોંધાઈ

  • ઓક્ટોબરમાં પેસેન્જર વાહનનું એકંદર જથ્થાબંધ વેચાણ વધીને 3,91,472 યુનિટ થયું હતું
  • મારુતિ સુઝુકી ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોનુ અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું

નવી દિલ્હીઃ સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગે ઓક્ટોબરમાં માસિક વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે. ઓક્ટોબરમાં પેસેન્જર વાહનનું એકંદર જથ્થાબંધ વેચાણ વધીને 3,91,472 યુનિટ થયું હતું, જે ગયા વર્ષના આ જ મહિનામાં 3,36,679 યુનિટ હતું. આમ આ વર્ષે 16% નો વધારો થયો છે. ગયા મહિને મારુતિ સુઝુકી ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા સ્થાનિક બજારમાં પેસેન્જર વાહનોનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું હતું. કારના વેચાણમાં વધારો મુખ્યત્વે તહેવારોની મોસમ, ચીપ્સની ઉપલબ્ધતામાં વધારો અને SUVની ઊંચી માંગને કારણે ઉત્પાદનમાં વધારો થવાને કારણે છે. દિવાળી પર વાહનોની માંગ વધવાની અપેક્ષાએ ડીલરોએ પણ કંપનીઓ પાસેથી વધુ વાહનોનો ઓર્ડર આપ્યો છે. આ તમામની અસર જથ્થાબંધ વેચાણમાં જોવા મળી રહી છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ થયું હોય તો તે ઓક્ટોબરમાં છે. ઉપરાંત નવરાત્રિના સમયગાળા દરમિયાન ઝડપી વેચાણની સાથે ગયા મહિને વોલ્યુમ વૃદ્ધિમાં પણ મદદ મળી હતી. ઓટોમોબાઈલ ઉદ્યોગના ડીલરો પાસે 30 દિવસની માંગને પહોંચી વળવા માટે પૂરતા વાહનો છે. જો દિવાળી પર માંગમાં વધારાને કારણે આગામી 15 દિવસમાં તેમનો સ્ટોક ઘટશે તો વેચાણમાં વધારો થવાનો ઉદ્યોગનો વિશ્વાસ વધુ મજબૂત થશે. પરંતુ જો 15 દિવસમાં સ્ટોકમાં વધુ ઘટાડો નહીં થાય તો આગામી મહિનાઓમાં ઉદ્યોગના જથ્થાબંધ વેચાણના આંકડાને અસર થશે.

આ વર્ષે ઓક્ટોબરમાં મારુતિના પેસેન્જર વ્હિકલનું વેચાણ 19.7 ટકા વધીને 1,68,047 વાહનોનું થયું છે. શ્રીવાસ્તવે કહ્યું કે ઓક્ટોબરમાં SUVની જબરદસ્ત માંગ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં કુલ પેસેન્જર વાહનોમાં SUVનો હિસ્સો વધીને લગભગ 48.7 ટકા થયો છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 42 ટકા હતો. સેમિકન્ડક્ટરની અછત દૂર થવાને કારણે ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આ વર્ષે દિવાળી નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં છે અને આ સમયગાળા દરમિયાન વેચાણ વધવાની આશાએ ડીલરોએ તેમનો સ્ટોક વધાર્યો છે.

સ્થાનિક બજારમાં હ્યુન્ડાઈના જથ્થાબંધ વેચાણમાં પણ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ વધારો થયો છે. આ ઓક્ટોબરમાં તેનું વેચાણ 14.8 ટકા વધીને 55,128 વાહનો થયું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, 2023માં ઓટોમોબાઈલ ઉદ્યોગનું વેચાણ લગભગ 7.5 ટકા વધશે. આ નાણાકીય વર્ષમાં પણ વેચાણમાં લગભગ 7 થી 7.5 ટકાનો વધારો થઈ શકે છે. તેમણે જણાવ્યું કે હ્યુન્ડાઈ ડીલર પાસે 21 દિવસનો સ્ટોક છે જે ઘણો વધારે છે. કંપની વર્ષના અંત સુધીમાં તેને ઘટાડીને 15 દિવસ કરવા માંગે છે. સ્ટોકબોક્સના રિસર્ચ એનાલિસ્ટ ધ્રુવ મુદારડ્ડીએ જણાવ્યું હતું કે તહેવારોની સિઝનમાં ખર્ચમાં વધારો થવાને કારણે સ્થાનિક બજારમાં કારના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો, ન્યૂઝક્લિકના સ્થાપક, HR વડાને કોર્ટે એક મહિનાની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

Back to top button