બિહારમાં ભારતીય સેનાનું એરક્રાફ્ટ ખેતરમાં ક્રેશ થયું, બે પાયલોટનો ચમત્કારિક બચાવ
પટણા (બિહાર), 05 માર્ચ: બિહારના બોધગયામાં ભારતીય સેનાનું માઇક્રો એરક્રાફ્ટ ખેતરમાં ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનનાં બંને પાયલોટનો આબાદ બચાવ થયો છે. આ ઘટના બોધગયા બ્લોકના બગદહા ગામમાં પાયલોટની ટ્રેનિંગ દરમિયાન સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર, વિમાનન એન્જિનમાં એકાએક ખામી સર્જાતા વિમાન જમીન પર પડી ગયું હતું. જો કે, તપાસ કરતાં આ અકસ્માત પાછળનું કારણ બહાર આવશે.
VIDEO | A micro training aircraft of Officers’ Training Academy (OTA) crashes in Bodhgaya, Bihar. More details are awaited.
(Source: Third Party pic.twitter.com/A27ZrbrVUK
— Press Trust of India (@PTI_News) March 5, 2024
એરક્રાફ્ટમાં ખામી સર્જાતા દુર્ઘટના સર્જાઈ
વિમાને રૂટિન ટ્રેનિંગ દરમિયાન ગયા OTAથી ઉડાન ભરી હતી, પરંતુ અચાનક વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ અને તે કાબૂ બહાર જઈને ઘઉંના ખેતરમાં પડી ગયું. આ ઘટના બાદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જામી છે. ગ્રામજનોએ બંને પાયલટોને વિમાનમાંથી બહાર કાઢ્યા હતા. જો કે, બંને પાયલોટ હાલમાં સુરક્ષિત છે. ગામના લોકોની મદદથી વિમાનને બાજુ પર ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાની માહિતી તરત જ ઓટીએ ગયાના અધિકારીઓને આપવામાં આવી હતી.
ગયા વર્ષે પણ આ જ ગામમાં એક વિમાન પડ્યું હતું
એક ગ્રામજનોનું કહેવું છે કે, વિમાન ખેતરમાં પડવાથી ઘઉંના પાકને નુકસાન થયું છે. જો કે, અગાઉ જાન્યુઆરીમાં પણ આ જ ગામમાં સેનાનું વિમાન ખેતરમાં પડ્યું હતું. ત્યારે પણ એરક્રાફ્ટમાં બે પાયલોટ હતા. બંનેને પ્લેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે તપાસ બાદ સેના આ અંગે નિવેદન જારી કરી શકે છે.
આ પણ વાંચો: “મેં તમારા પુત્રનું માંસ ખાધું છે”: પ્લેન ક્રેશમાં બચેલા લોકોએ બર્ફીલા પર્વત પર આ રીતે વિતાવ્યા 72 દિવસ