ભારતીય અમેરિકન દંપતીને 20 વર્ષની સજા, જબરદસ્તી મજૂરી કરાવવાનો આરોપ
ન્યૂયોર્ક (અમેરિકા), 24 જાન્યુઆરી: અમેરિકાના વર્જિનિયામાં એક ભારતીય અમેરિકન દંપતીએ તેમના દૂરના સંબંધીને જબરદસ્તી મજૂરી કરવાના આરોપમાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વર્જિનિયાની ફેડરલ કોર્ટે જણાવ્યું કે, તે બંને તેમના દૂરના સંબંધીઓને ગેસ સ્ટેશન અને કરિયાણાની દુકાનમાં કામ કરવા દબાણ કરતા હતા. કેસમાં તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે, આ દંપતી પીડિતને કરિયાણાની દુકાનમાં કેશિયર તરીકે કામ કરાવવા ઉપરાંત તેઓ રસોઈ બનાવડાવતા અને સફાઈ પણ કરાવતા હતા. આ કેસમાં 30 વર્ષીય હરમનપ્રીત સિંહ અને 43 વર્ષીય કુલબીર કૌરને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત, બંનેની રિલીઝ પછી 5 વર્ષ સુધી નજરકેદ રાખવામાં આવશે. એટલું જ નહીં, કોર્ટે બંને પર $250,000નો દંડ પણ ફટકાર્યો છે.
પીડિતને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો
ન્યાય વિભાગના નાગરિક અધિકાર વિભાગના આસિસ્ટન્ટ એટર્ની જનરલ ક્રિસ્ટન ક્લાર્કે જણાવ્યું હતું કે, દંપતીએ પીડિતના વિશ્વાસ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં શાળામાં જવાની ઇચ્છાનો દુરુપયોગ કર્યો અને પછી તેની સાથે શારીરિક અને માનસિક અત્યાચાર પણ ગુજાર્યો હતો. દંપતીએ આ એટલા માટે કર્યું જેથી તેઓ સંબંધીને પોતાનું કામ કરાવી શકે. કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા અનુસાર, હરમનપ્રીતે સિંહે પીડિતના વાળ ખેંચ્યા, તેને લાત અને થપ્પડ માર્યા હતા. જ્યારે તેણે પોતાના ઇમિગ્રેશન ડૉક્યુમેન્ટ પાછા માંગ્યા અને એક દિવસની રજા માંગી ત્યારે આરોપીએ રિવોલ્વરથી ધમકાવવાનું શરૂ કર્યું હતું
આરોપીઓએ ઇમિગ્રેશન દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા
હરમનપ્રીત સિંહ અને કુલબીર કૌરે પીડિતના ઈમિગ્રેશન દસ્તાવેજો પણ જપ્ત કરી લીધા હતા જેથી તેઓ તેને તેનું કામ કરવા માટે ધમકાવી શકે. વર્જિનિયાના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની જેસિકા ડી’એબરે જણાવ્યું હતું કે, દંપતીએ પીડિતને યુનાઇટેડ સ્ટેટ્સમાં શિક્ષણનું ખોટું વચન આપીને લાલચ આપી અને બદલામાં તેને અપમાનજનક પરિસ્થિતિઓ અને માનસિક અને શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું. એબરે વધુમાં જણાવ્યું કે, બળજબરીથી મજૂરી અને માનવ તસ્કરી ઘૃણાસ્પદ અપરાધો છે અને તેને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી.
આ પણ વાંચો: અમેરિકા: ફાયરિંગમાં 8નાં મૃત્યુ, હુમલાખોરે પણ પોતાની જાતને ઉડાવી દીધી