ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતની મહિલા ટીમને મળશે પુરૂષ ટીમ જેટલી જ મેચ ફી : પરંતુ ગ્રેડ પે માં હજુ પણ અસમાનતા

Text To Speech

આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે એક મહત્વની જાહેરાત કરી છે કે હવેથી ભારતીય ટીમની મહિલા ક્રિકેટરોને પુરૂષ ટીમ જેટલી જ મેચ ફી આપવામાં આવશે. BCCIના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શાહે કહ્યું- મેં વચન આપ્યું હતું કે BCCI પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓની મેચ ફી સમાન કરવામાં આવશે. તે દિશામાં લેવાયેલું આ પગલું છે.

આ પણ વાંચો : નેધરલેન્ડ સામે ભારતની 56 રનથી જીત : ગ્રુપ 2નાં ટેબલમાં નંબર-1 પર પહોંચ્યું ભારત 

જાણો હવે કેટલી ફી મળશે

હાલમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ મહિલા ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે 4 લાખ રૂપિયા મળે છે. તે જ સમયે, ODI અને T20 બંને માટે મેચ ફી એક લાખ રૂપિયા છે. આ નિર્ણય બાદ હવે નવા ફી માળખા મુજબ હવે ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયા હશે. તે જ સમયે, વનડે માટે 6 લાખ રૂપિયા અને ટી-20 માટે 3 લાખ રૂપિયાની મેચ ફી આપવામાં આવશે.

ગ્રેડ પે માં હજુ પણ અસમાનતા

ભલે BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ મહિલા ક્રિકેટરોને પુરૂષ ટીમના ખેલાડીઓ જેટલી જ ફી મળશે તેવી જાહેરાત કરી હોય,પરંતુ ગ્રેડ પે માં હજુ પણ અસમાનતા છે. વાસ્તવમાં, વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વાર્ષિક કોન્ટ્રાક્ટમાં હજુ પણ મહિલા ક્રિકેટરોની માત્ર 3 કેટેગરી છે. બીજી તરફ પુરૂષ ક્રિકેટરોની 4 કેટેગરી છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે A ગ્રેડની મહિલા ક્રિકેટરોને મળનારી રકમ C ગ્રેડના પુરૂષ ક્રિકેટરો કરતા પણ ઓછી છે.

વાસ્તવમાં મહિલાઓમાં A ગ્રેડની ખેલાડીઓને વાર્ષિક 50 લાખ રૂપિયા મળે છે. બીજી તરફ પુરુષોના C ગ્રેડમાં સામેલ ખેલાડીઓને એક કરોડ રૂપિયા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઉચ્ચ ગ્રેડ હોવા છતાં, પુરૂષ ક્રિકેટરોની સરખામણીમાં મહિલાઓને માત્ર અડધા પૈસા મળે છે. મહિલાઓમાં B ગ્રેડની ખેલાડીઓને 30 લાખ અને C ગ્રેડની ખેલાડીઓને 10 લાખ મળે છે. A+ ગ્રેડ પુરૂષો માટેની ચાર કેટેગરીમાં ટોચ પર છે. આમાં સામેલ ખેલાડીઓને 7 કરોડ મળે છે. A ગ્રેડના ખેલાડીઓને 5 કરોડ, B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને 1 કરોડ મળે છે.

Back to top button