ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારત જાપાન પાસેથી ખરીદશે 6 બુલેટ ટ્રેન, આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે ડીલ

Text To Speech

નવી દિલ્હી, 07 માર્ચ: ભારતમાં વંદે ભારત જેવી અત્યાધુનિક ટ્રેનમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જ પીએમ મોદીએ દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેનની લીલી ઝંડી આપી હતી. ત્યારે હવે ભારત 6 નવી બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહ્યું છે. આ અંગેનો સોદો આ મહિનાના અંત સુધીમાં એટલે કે માર્ચ સુધીમાં જાપાન સાથે ફાઈનલ થઈ જશે. ભારત જાપાન સાથે E5 સિરીઝની બુલેટ ટ્રેન ખરીદશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ડીલ ફાઈનલ થઈ જતા ગુજરાતમાં 2026 સુધીમાં પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની સંભાવના વધી જશે. સૂત્રોએ જણાવ્યું કે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેન અને ઑપરેટિંગ સિસ્ટમની ખરીદી માટે બિડ કરશે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ ક્યાં પહોંચ્યું?

ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કાર્ય ગતિ પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદ-મુંબઈ વચ્ચે બનાવવામાં આવી રહેલા 508 કિમી લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં જ્યારે બુલેટ ટ્રેન દોડશે, ત્યારે માત્ર 2 કલાક 45 મિનિટ લેશે. અધિકારીઓએ જણાવ્યું કે જાન્યુઆરી સુધીમાં પ્રોજેક્ટ પર કુલ 40% કામ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં લગભગ 48% કામ આગળ વધ્યું છે, જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર 22% કામ થયું છે. છેલ્લા એક વર્ષમાં પ્રોજેક્ટમાં 100 કિમીથી વધુ વાયડક્ટ (એલિવેટેડ સ્પાન) પૂર્ણ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં નદીના છ પુલ પૂર્ણ થયા છે. ગુજરાતમાં 20 બ્રિજમાંથી 7 પૂર્ણ થઈ ગયા છે.

મહારાષ્ટ્રની અગાઉની સરકાર પર કામમાં વિલંબનો આરોપ

રેલ્વે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે તાજેતરના મહિનાઓમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલા કામમાં ઘણી પ્રગતિ થઈ છે. વહીવટીતંત્રે તમામ જિલ્લા કલેક્ટરને આ મહિનાના અંત સુધીમાં જમીન સોંપવાનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. તાજેતરમાં જ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલિન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી હતી.

આ પણ વાંચો: બુલેટ ટ્રેનઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે જમીન સંપાદનનું કામ 100% પૂર્ણ

Back to top button