2025ના અંત સુધી ભારત $5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનશે: અમિત શાહ
દહેરાદૂન (ઉત્તરાખંડ), 09 ડિસેમ્બર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું કે ભારત 2025ના અંત સુધીમાં 5 ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બની જશે. અહીં ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના સમાપન સત્રને સંબોધતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે ભારતે છેલ્લા એક દાયકામાં દરેક મોરચે ઝડપથી પ્રગતિ કરી છે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આજે વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. 2014 અને 2023ની વચ્ચે ભારત 11મા અર્થતંત્રમાંથી વધીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
સમાપન સત્રમાં તેમણે કહ્યું કે, આઝાદીના 75 વર્ષ દરમિયાન દેશે આટલી મોટી છલાંગ પહેલા ક્યારેય નથી લીધી. તેમણે આનો શ્રેય પીએમ મોદીના નેતૃત્વ અને તેમના લક્ષ્યોને વાસ્તવિકતામાં બદલવાની તેમની ક્ષમતાને આપ્યો.
અમિક શાહે કહ્યું કે, મોદી ક્લાઇમેટ ચેન્જ સામેની ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે, આતંકવાદ મુક્ત વિશ્વ માટે આંતરરાષ્ટ્રીય અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ દ્વારા વિશ્વની ધીમી જીડીપીને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે G-20 દિલ્હી ઘોષણા રાજદ્વારી મોરચે ભારતની એક મોટી ઉપલબ્ધિ છે, જેને વિશ્વ આવનારા દાયકાઓ સુધી યાદ રાખશે.
નવેમ્બરમાં ભારતની GDPએ 4 ટ્રિલિયન ડૉલર પાર
ભારતે નવેમ્બર 2023માં પ્રથમ વખત 4 ટ્રિલિયન ડૉલરથી વધુની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) હાંસલ કરીને નોંધપાત્ર આર્થિક સીમાચિહ્નને વટાવી દીધું હતું. આ સીમાચિહ્નરૂપ વર્ષોની સતત વૃદ્ધિ અને વિકાસના પરિણામે ભારતની વધતી જતી આર્થિક તાકાત, સ્થિરતા અને વૈશ્વિક પ્રભાવનો પુરાવો છે. ભારત સત્તાવાર રીતે રૂપિયા 333 લાખ કરોડનું અર્થતંત્ર બન્યું છે.
આ પણ વાંચો: ભારતની GDPએ 4 ટ્રિલિયન ડોલરના માઈલસ્ટોનને પાર કર્યો