IND vs AUS: ગાબામાં સદી ચૂક્યો રાહુલ, ભારત પર ફોલોઅનનું સંકટ
બ્રિસબેન, તા. 17 ડિસેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે લંચ સમયે ભારતનો સ્કોર છ વિકેટે 167 રન હતો. પ્રથમ સત્ર આજે લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. આજે સવારે પણ વરસાદે રમતમાં ખલેલ પહોંચાડી હતી. રવિન્દ્ર જાડેજા અને નિતીશ રેડ્ડી અનુક્રમે 41 અને સાત રન બનાવી અણનમ છે. બંને વચ્ચે અત્યાર સુધી 26 રનની ભાગીદારી થઈ છે. ભારતને ફોલોઅનથી બચવા માટે 79 રનની જરૂર છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 278 રન પાછળ છે. ભારતે મેચ ડ્રો કરવી હશે તો પૂંછડીયા બેટ્સમેનોએ પણ સારો દેખાવ કરવો પડશે. તેમજ વરસાદ પર પણ આધાર રાખવો પડશે.
ભારતે દિવસની શરૂઆત ચાર વિકેટે 51 રનથી કરી હતી. જોકે, ટૂંક સમયમાં જ ટીમને રોહિત શર્માના રૂપમાં પાંચમો ફટકો પડ્યો હતો. રોહિતે 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાહુલે જાડેજા સાથે 67 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 139 બોલમાં 84 રન બનાવ્યા હતા. નાથન લાયને તેની વિકેટ ઝડપી હતી. સોમવારે યશસ્વી ચાર રન, ગિલ એક, વિરાટ ત્રણ અને પંત નવ રન પર આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને કમિન્સે બે-બે વિકેટ ઝડપી હતી. હેઝલવુડે પણ ઈજાગ્રસ્ત થતાં પહેલાં એક વિકેટ ઝડપી હતી. તેણે વિરાટને આઉટ કર્યો હતો.
That’s Lunch on Day 4 of the 3rd Test.#TeamIndia score 116 runs with a loss of two wickets in the first session.
Scorecard – https://t.co/dcdiT9NAoa… #AUSvIND pic.twitter.com/kteijYiAtl
— BCCI (@BCCI) December 17, 2024
રોહિતનું કંગાળ ફોર્મ
રોહિત શર્માનું કંગાળ ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે. તેણે પોતાની છેલ્લી 13 ઇનિંગ્સમાં એક પણ સદી ફટકારી નથી. રોહિત શર્મા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં તેની કારકિર્દીના સૌથી નબળા ફોર્મમાં છે. તે છેલ્લી 13 ઈનિંગમાં માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. તેની છેલ્લી અડધી સદી 7 માર્ચ, 2024 ના રોજ ધર્મશાળામાં ઇંગ્લેન્ડ સામે ફટાકરી હતી. ત્યારથી તે સંઘર્ષ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ IND vs AUS: બુમરાહે ખ્વાજાને કર્યો શાનદાર રીતે આઉટ, જૂઓ વીડિયો