ભારતે UNમાં ઈઝરાયેલ વિરુદ્ધ મતદાન કર્યું, જાણો શું હતો પ્રસ્તાવ?
- સંયુક્ત રાષ્ટ્રમાં પાડોશી દેશ ઇજિપ્ત ઇઝરાયેલ વિરુદ્ધ ઠરાવ લાવ્યો હતો, જેને ભારતે પણ સમર્થન આપ્યું હતું.
- ભારતે આ પ્રસ્તાવ પર ઈઝરાયેલની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો.
- અમેરિકા અને બ્રિટને ઈજિપ્તના આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
યુએન, 30 નવેમ્બર: સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ આવ્યો છે, જેના પર ભારતે ઈઝરાયેલની વિરુદ્ધમાં વોટ આપ્યો છે. ભારત સિવાય 91 દેશોએ પણ ઈઝરાયેલ વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવને સમર્થન આપ્યું છે. ઇજિપ્ત દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વોટિંગમાં 91 દેશોએ ઈજિપ્તના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું અને ઈજિપ્તના પ્રસ્તાવની વિરુદ્ધ ઈઝરાયેલના સમર્થનમાં 8 દેશોએ વોટિંગ કર્યું હતું. જેમાં અમેરિકા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે.
જાણો ઇજિપ્ત યુએનમાં શું પ્રસ્તાવ લાવ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈજિપ્તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયેલને લઈને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલે સીરિયાની ગોલાન હાઈટ્સ પરથી પોતાનો કબજો પાછો ખેંચી લેવો જોઈએ. આ પ્રસ્તાવને 91 દેશોએ સમર્થન આપ્યું છે, આ દેશોમાં ભારત પણ સામેલ છે. યુએનમાં ઇજિપ્ત દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવની તરફેણમાં 91 વોટ પડ્યા હતા, જ્યારે 8 દેશોએ તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન 62 દેશો મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા.
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના ઠરાવોને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલે સીરિયન ગોલાન હાઇટ્સ પર પોતાનો કબજો છોડી દેવો જોઈએ. ઇઝરાયેલે 1967માં ગોલાન હાઇટ્સ પર કબજો કર્યો હતો.
કયા દેશોએ ઈઝરાયેલ વિરુદ્ધના ઠરાવને સમર્થન આપ્યું?
ભારત ઉપરાંત આ પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ચીન, લેબેનોન, ઈરાન, ઈરાક અને ઈન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. તેમજ ઑસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા, પલાઉ, ઇઝરાયેલ, કેનેડા અને માર્શલ આઇલેન્ડે ઇજિપ્તના આ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.
62 દેશોએ મતદાનથી પોતાને દૂર રાખ્યા
યુક્રેન, ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ, જાપાન, કેન્યા, પોલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્પેન જેવા 62 દેશો આ પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યા હતા. આ પ્રસ્તાવ પર 28 નવેમ્બરે મતદાન થયું હતું.
જાણો ગોલન હાઇટ્સ ક્યાં છે?
ગોલાન હાઇટ્સ પશ્ચિમ સીરિયાનો એક વિસ્તાર છે, જેના પર ઇઝરાયેલે 1962માં કબજો કર્યો હતો. આ દરમિયાન ઈઝરાયેલ અને સીરિયા વચ્ચે 6 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે તેના પર કબજો જમાવી લીધો. વાસ્તવમાં, ગોલાન હાઇટ્સ પશ્ચિમ સીરિયામાં સ્થિત એક પર્વતીય વિસ્તાર છે. સીરિયાએ 1973માં મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન ગોલાન હાઇટ્સને ફરીથી કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યું ન હતું. 1981માં ઇઝરાયેલે એકપક્ષીય રીતે ગોલાન હાઇટ્સને તેના પ્રદેશમાં જોડવાની જાહેરાત કરી હતી પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી ન હતી.
આ પણ વાંચો, દિલ્હીના એપ આધારિત વાહનો ઇલેક્ટ્રિક હશે, કેબ એગ્રીગેટર પોલિસી લાગુ