ભારત-અમેરિકાના સંબંધો ટ્રમ્પ સરકારમાં વધુ મજબૂત બનશે, જાણો પીયૂષ ગોયલે શું કહ્યું
- વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ‘ભારતના મિત્ર’ ગણાવ્યા
નવી દિલ્હી, 29 નવેમ્બર: વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ‘ભારતના મિત્ર’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકાની મિત્રતા વધુ મજબૂત બનશે. ગોયલે એમ પણ કહ્યું કે તેમને ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીમાં કોઈ સમસ્યા દેખાતી નથી અને નવા વહીવટીતંત્રના આવવાથી આ ભાગીદારી આગામી સમયમાં વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષના શાસન હેઠળ લાગુ કરાયેલી વિવિધ પહેલો અને સુધારાઓ અંગે મીડિયા સાથે વાત કરતા પીયૂષ ગોયલે ટેસ્લા અને સ્ટારલિંકની રોકાણ યોજનાઓથી લઈને લેપટોપ આયાત નીતિ અને EUના “એકપક્ષીય” ગ્રીન ઈકોનોમી નિયમો સુધીના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
એપ્રિલમાં ઈલોન મસ્કે તેમની બહુચર્ચિત ભારત મુલાકાતમાંથી છેલ્લી ઘડીએ પીછેહઠ કરી લીધી હતી. તે સમયે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મસ્ક ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની અને અબજો ડોલરના રોકાણની જાહેરાત કરશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કોઈ સમસ્યા રહેશે નહીં: કેન્દ્રીય મંત્રી
ટ્રમ્પના આગામી પ્રમુખ બનવા અંગે ભારતના અભિપ્રાય વિશે પૂછવામાં આવતા, ગોયલે કહ્યું કે, “મને લાગે છે કે આપણે ઉતાવળ કરવી જોઈએ નહીં. આપણે નવી સરકારને (USમાં) ચાર્જ લેવા દેવો જોઈએ અને આપણું ઔપચારિક અને સત્તાવાર વલણ સ્પષ્ટ કરવું જોઈએ. પરિસ્થિતિની મારી સમજ અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કામ કરવાનો મારો પોતાનો અનુભવ જોતાં, મને કોઈ સમસ્યા દેખાતી નથી.” ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ લગાવ્યો હતો કે, તમામ મોટા દેશોમાં ભારત વિદેશી ઉત્પાદનો પર સૌથી વધુ કસ્ટમ ડ્યુટી લગાવે છે. જો તેઓ સત્તામાં આવશે તો તેમણે પારસ્પરિક કર લાદવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ગોયલે કહ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન મોદીએ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને પહેલા કરતા વધુ સારી રીતે સંભાળ્યા છે.
ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો દર વર્ષે સારા થઈ રહ્યા છે: પીયૂષ ગોયલ
ગોયલે કહ્યું કે, “વડાપ્રધાન મોદીએ USમાં ત્રણ વહીવટીતંત્ર સાથે કામ કર્યું છે અને અમે ફરી એકવાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કામ કરીશું. અમેરિકા સાથે ભારતના સંબંધો દર વર્ષે સારા થઈ રહ્યા છે. ટ્રમ્પ ભારતના મિત્ર છે, વડાપ્રધાન મોદીના મિત્ર છે અને મને ખાતરી છે કે આ મિત્રતા વધુ ઊંડી થશે. આ તેમની અત્યાર સુધીની વિવિધ ટિપ્પણીઓ પરથી સ્પષ્ટ થાય છે.” અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માલિકીની ટેસ્લા અને સ્ટારલિંક દ્વારા સંભવિત રોકાણો અંગે કોઈ નવી માહિતી વિશે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું કે, આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમને વ્યક્તિગત રીતે આ મુદ્દાની કોઈ જાણકારી નથી કારણ કે બંને મુદ્દાઓ અલગ-અલગ મંત્રાલયો દ્વારા હાથ ધરવામાં આવે છે.
લેપટોપ આયાત નીતિ
હેવી ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી ટેસ્લા કેસને હેન્ડલ કરશે જ્યારે ટેલિકોમ મિનિસ્ટ્રી પાસે સ્ટારલિંક કેસ છે. એપ્રિલમાં, મસ્કે તેમની બહુચર્ચિત ભારત મુલાકાતમાંથી છેલ્લી ઘડીએ પીછેહઠ કરી હતી. તે સમયે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મસ્ક ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની અને અબજો ડોલરના રોકાણની જાહેરાત કરશે. જ્યારે ગોયલને દેશમાં લેપટોપની આયાત માટે નવી માર્ગદર્શિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ભારતની લેપટોપ આયાત નીતિ અંગેની નવી માર્ગદર્શિકા હજુ પણ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિચારણા હેઠળ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, સરકારે લેપટોપ અને ટેબલેટ સહિત કેટલાક IT હાર્ડવેર ઉત્પાદનોની આયાત માટે મંજૂરી સિસ્ટમને 31 ડિસેમ્બર સુધી ત્રણ મહિના લંબાવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાને જણાવ્યું હતું કે, તેમણે યુરોપિયન યુનિયનની એકપક્ષીય કાર્બન ટેક્સ જોગવાઈઓ અંગે બુધવારે ફ્રેન્ચ વિદેશી વેપાર પ્રધાન સોફી પ્રાઇમસ સાથે તેમની નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, યુરોપિયન યુનિયનના ગ્રીન ઇકોનોમીના નિયમો અયોગ્ય છે અને તેનાથી ભારતની નિકાસ પર અસર પડી શકે છે.
આ પણ જૂઓ: મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસ CM બને તો શું અવરોધો ઊભા થઈ શકે? જાણો જ્ઞાતિ સમીકરણ