ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યમુના એક્સપ્રેસ પર બસ – કારની ભીષણ ટક્કર, આગ લાગતાં 5 લોકો જીવતા ભૂંજાયા

Text To Speech

મથુરા (ઉત્તર પ્રદેશ), 12 ફેબ્રુઆરી:  મથુરામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. યમુના એક્સપ્રેસ વે પર બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અથડામણ બાદ બસમાં આગ ફાટી નીકળી હતી. પાછળથી આવતી કાર પણ કાબૂ બહાર જઈ બસ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માત અંગે જાણ થતા અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યો છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.

આગ લાગેલી બસ સાથે કાર અથડાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, આગની લપેટમાં આવેલા પાંચેય લોકો કારમાં સવાર હતાં. આ અકસ્માત મથુરાના મહાવન પોલીસ સ્ટેશન વિસ્તારના માઈલસ્ટોન 117 પાસે થયો હતો. બસ આગ્રાથી નોઈડા જઈ રહી હતી. રસ્તા વચ્ચે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. દરમિયાન પાછળથી આવતી કાર આગ લાગેલી બસ સાથે અથડાઈ હતી અને તે પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જો કે, આગ એટલી ભીષણ હતી કે બસ અને કાર બંને બળીને ખાખ થઈ ગયા હતા. બસમાં બેઠેલા પેસેન્જર સલામત રીતે બહાર આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડબલ ડેકર બસ પાસે 50 પેસેન્જરો સવાર હતા. દુર્ઘટનામાં કેટલાક પેસેન્જર્સ ઇજાગ્રસ્ત થયા છે. સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, મૃતકોની ઓળખ કરાઈ રહી છે. હાલ ફાયર બિગ્રેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. તેમજ આ અકસ્માત અંગે વધુ તજવીજ હાથ ધરાઈ છે.

બસનું ટાયર ફાટતા ગુમાવ્યું સંતુલન: SSP

એસએસપી શૈલેષ કુમાર પાંડેએ જણાવ્યું કે, આજે સવારે બસ અને કાર એકબીજા સાથે અથડાઈ હતી. તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે બસનું ટાયર ફાટ્યું અને તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ. બંને વાહનોમાં આગ લાગી હતી. બસમાં સવાર લોકો સલામત રીતે બહાર નીકળી ગયા હતા અને કારમાં સવાર 5 લોકો દાઝી ગયા હતા. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મેરેથોન વર્લ્ડ રેકોર્ડ ધારક કેલ્વિન કિપ્ટમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

Back to top button