ભારત 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે, મુકેશ અંબાણીએ કરી આગાહી
ભારત આર્થિક વૃદ્ધિ અને તકોમાં અભૂતપૂર્વ સિદ્ધિનું સાક્ષી બનશે. ભારતીય અર્થતંત્ર ત્રણ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાંથી વર્ષ 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. તે વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. આ વાતો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન કહી હતી.
સફળતા માટે અંબાણીએ આપ્યા ત્રણ મંત્ર
મંગળવારે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ના દીક્ષાંત સમારોહને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે ત્રણ ક્રાંતિકારી ક્રાંતિ આવનારા દાયકાઓમાં ભારતના વિકાસને સંચાલિત કરશે, જેમાં સ્વચ્છ ઉર્જા ક્રાંતિ, બાયો-એનર્જી ક્રાંતિ અને ડિજિટલ ક્રાંતિનો સમાવેશ થાય છે. ભારતના ભાવિ નેતાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે રાષ્ટ્ર વૈશ્વિક સ્વચ્છ અને હરિયાળી ઉર્જા ક્રાંતિનું નેતૃત્વ કરે. આ મિશનમાં સફળતા હાંસલ કરવાના 3 મંત્રો છે થિંક બિગ… થિંક ગ્રીન… અને થિંક ડિજિટલ. તેમના ભાષણ દરમિયાન મુકેશ અંબાણી ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યને લઈને ખૂબ જ આશાવાદી દેખાયા હતા.